Ahmedabad News:ગુજરાતના અમદાવાદમાં એક બંધ રહેણાંક ફ્લેટમાં દરોડામાં 95 કિલોથી વધુ સોનું અને લાખો રૂપિયાની રોકડ મળી આવી છે. દરોડા માટે પહોંચેલા અધિકારીઓ પણ આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ચોંકી ઉઠ્યા હતા. જપ્ત કરાયેલા સોના અને રોકડની કુલ કિંમત લગભગ 90 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
માહિતી અનુસાર અમદાવાદમાં એક બંધ રહેણાંક ફ્લેટમાંથી સોમવારે સાંજે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દરોડા પાડ્યા બાદ 95 કિલોથી વધુ સોનું અને રોકડ, જેની કુલ કિંમત આશરે રૂ. 90 કરોડ છે જે જપ્ત કરવામાં આવી હતી.

ATSના મદદનીશ પોલીસ કમિશનર એસ.એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, “પાલડી વિસ્તારના આવિષ્કાર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી લગભગ 95.5 કિલો સોનું, અન્ય ઘરેણાં અને 60-70 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આરોપી મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહે કથિત રીતે દાણચોરીનું સોનું અને લગભગ 80-90 કરોડ રૂપિયાની રોકડ છુપાવી હતી.”
તેમણે કહ્યું કે આરોપીઓ કથિત રીતે શેરબજાર ટ્રેડિંગ, સટ્ટાબાજી અને સોનાની દાણચોરી જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ છે. પરંતુ તેઓ હજુ સુધી પકડાયા નથી.
ચૌધરીએ જણાવ્યું હતું કે “સોમવારે સાંજે ડીઆરઆઈ અને ATSના સંયુક્ત દરોડા સમયે ફ્લેટ બંધ હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.”