હાર્દિક દેવકીયા

ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ સિંચાઈ વિભાગમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે 4 સરકારી કર્મચારીઓ અને 4 કોન્ટ્રાક્ટરો સામે Courtમાં ફરીયાદ કરાઈ છે. અરજદારે સમગ્ર મામલે કપડવંજ Courtમાં દાવો દાખલ કર્યો છે અને આ મામલે કોર્ટ રાહે ન્યાયિક તપાસ કરી 44.12 લાખના 5 કામો અંગે નાણાં સરકારી તિજોરીમાં પરત ભરાવવામાં આવે તેવી માંગણી કરી છે. કોર્ટે દાવો ગ્રાહ્ય રાખી તમામ જવાબદારોને નોટીસ બજાવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આગામી 8 મેના રોજ મુદ્દતમાં હાજર રહેવા ફરમાન કર્યુ છે.

નડિયાદના શૈલેષ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર મામલે કોર્ટ રાહે પાંચમી ફરીયાદ કરવામાં આવી છે. આ વખતે ખેડા જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કપડવંજ પેટા વિભાગના 5 વિકાસ કાર્યો મામલે દાવો કર્યો છે. ફરીયાદીએ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, સિંચાઈ પેટા વિભાગ-2 (ડાકોર), મદદનીશ ઈજનેર, સિંચાઈ પેટા વિભાગ-2 (ડાકોર), ખેડા જિલ્લા કલેક્ટર, અંબિકા એસોશીએટ્સ, ચિખડોલ સરપંચ, સંદીપ કે. રાજપૂત અને ગાયત્રી એન્ટરપ્રાઈઝના મહેશ ડાભી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે.

આ અધિકારીઓના નેજા હેઠળ કોન્ટ્રાક્ટરો દ્વારા 44.12 લાખ રૂપિયાના 5 કાર્યો કરાયા છે. જેમાં એફ. ડી. આર. ટુ પીકઅપ નીયર વાંટડા, તા. કપડવંજ (રકમ-17.19 લાખ), સેઈડ સ્ટેજ વર્ક એટ વિલેજ ચીખડોલ, ચિખડોલ સરપંચ (રકમ-3.20 લાખ), એફ.પી. સ્કીમ સ્કીમ એટ વિલેજ અભ્રિપુરા (સર્વે નં.6) કઠલાલ, સંદિપ કે. રાજપૂત (રકમ-9.27 લાખ), એ.ફી. સ્કીમ એટ વિલેજ અભ્રિપુરા (સર્વે નં.668) ગાયત્રી એન્ટરપ્રાઈઝ કઠલાલ, (રકમ-4.22 લાખ) અને એફ.પી. સ્કીમ એટ વિલેજ ખલાલ (સર્વે નં.190) કઠલાલ, (રકમ-10.24 લાખ)ના કામોમાં ગેરરીતિનો દાવો કર્યો છે.

તેમજ આ કાર્યના નિર્માણ સમયે સરકારી અધિકારીઓ સ્થળ પર સમયાંતરે તપાસ કરવાનું ટાળી અને ગેરહાજર રહી તેમજ કોન્ટ્રાક્ટરોએ સીમેન્ટ, રેતી, કપચી, ઈંટો પૂરતા પ્રમાણમાં સરકારી ધારાધોરણ મુજબ ઉપયોગ ન કરી, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. આ કામોની કોર્ટ રાહે તપાસ કરી તમામ જવાબદાર અધિકારીઓને ટર્મીનેટ કરવા અને કામ કરનારી એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવા માટે કોર્ટ સમક્ષ ગુહાર લગાવાઈ છે.

આજે આ મામલો કપડવંજની કોર્ટમાં દાખલ થઈ ગયો છે. જેથી હવે આ મામલે આગામી સમયમાં કોર્ટ મુદ્દતો બાદ ન્યાયિક કાર્યવાહી થશે તેવી અપેક્ષા ફરીયાદી સેવી રહ્યા છે. આ મામલે હવે કપડવંજ કોર્ટમાં આગામી 8 મેના દિવસે મુદ્દત છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને હાજર રહેવા માટે નોટીસ બજાવી દેવાઈ છે.

દાવાના નાણાં ભર્યા, ફોરેન્સીકની ભરવાની તૈયારી દર્શાવી

ફરીયાદી દ્વારા કપડવંજ કોર્ટમાં આ દાવો દાખલ કરવા માટે 44.12 લાખના કામોની સામે કાયદેસર રીતે થતાં 48,450 રૂપિયા દાવાની ફી ભરપાઈ કરી છે. તો સાથે જ દાવામાં એમ પણ જણાવ્યુ છે કે, સદર વિકાસના કાર્યોની ફોરેન્સીક તપાસ કરાવવામાં આવે અને તેની જે પણ ફી થશે, તે પણ ભરપાઈ કરવાની તૈયારી ફરીયાદીએ દાખવી છે.

આક્ષેપ ખોટા છેઃ મદદનીશ ઈજનેર

આ સમગ્ર મામલે મદદનીશ ઈજનેર જીગર ઠાકોર સાથે વાત કરતા તેમણે આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે કોન્ટ્રાક્ટર મહેશભાઈ ડાભી સાથે વાત કરતા તેમણે પોતાના કામમાં દિવાલ યોગ્ય જ બનાવી હોય અને વરસાદની ઋતુમાં પણ કંઈ ન થયુ હોવાનું રટણ કર્યુ હતુ. તેમજ અધિકારીઓ સ્થળ તપાસ કરશે તો અંદર કોઈ ભ્રષ્ટાચાર જણાશે નહીં, તેમ પણ જણાવ્યુ છે.

આ સરકારી અધિકારીઓને આરોપી બનાવાયા

  1. અભિષેક રાવત, કાર્યપાલક ઈજનેર, સિંચાઈ વિભાગ
  2. જાહ્નવી શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર, ડાકોર વિભાગ
  3. જીગર ઠાકોર, મદદનીશ ઈજનેર, ડાકોર વિભાગ
  4. જિલ્લા કલેક્ટર, ખેડા

આ કોન્ટ્રાક્ટરોને આરોપી બનાવાયા

  1. અંબિકા એસોશીએટ્સ, દનાદરા, કઠલાલ
  2. ચિખડોલ ગ્રામ પંચાયતના સરપંચ
  3. સંદીપ કે. રાજપૂત, ગાંધીનગર
  4. મહેશ ડાભી-ગાયત્રી એન્ટરપ્રાઈઝ, ભરકુંડા, કઠલાલ

આ પણ વાંચો..