Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો કહેર શરૂ થયો છે. સોમવારે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો હતો. સોમવારે સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી ગરમ પવન લોકોને પરેશાન કરી શકે છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપી છે. જેના કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા તાપમાનના કારણે અમદાવાદ શહેરનું તાપમાન રવિવારે 38.7 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું જે સોમવારે 40 ડિગ્રીને પાર કરી 40.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. સોમવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ શહેરમાં ગરમી વચ્ચે પંખા, એસી અને કુલર કામ કરવા લાગ્યા છે, તો બીજી તરફ ઠંડા પીણાની માંગ પણ વધવા લાગી છે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર અને બુધવારે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલીમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં ગુરુવારે પણ ગરમીની અસર જોવા મળી શકે છે. લોકોને ગરમીથી બચવા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસ બાદ ગરમીની તીવ્રતામાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
મોટા શહેરોમાં તાપમાન
ભુજ- 42.0
સુરત-41.8
રાજકોટ-41.7
સુરેન્દ્રનગર-41.7
ગાંધીનગર-40.4
અમદાવાદ-40.4
વડોદરા-39.8