Ahmedabad: આજે વિધાનસભામાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના ૪,૧૬૭ અને આણંદ જિલ્લાના ૩,૨૬૭ લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે રૂ. ૨૧૫.૫૧ લાખ અને રૂ. ૩૪૬.૪૮ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
તાલુકાવાર માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે અમદાવાદ જિલ્લાના અમદાવાદ સીટી, બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ–રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ અને વિરમગામ એમ ૧૦ તાલુકાના કુલ ૪,૧૬૭ લાભાર્થીઓ અને આણંદ જિલ્લામાં આણંદ, આંકલાવ, બોરસદ , ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર અને ઉમરેઠ એમ ૮ તાલુકાઓના કુલ ૩,૨૬૭ લાભાર્થીઓને વીજ જોડાણ આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત અમદાવાદ અને આણંદ જિલ્લામાં એક પણ અરજી પડતર નથી, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ આ યોજના વિશે વિગતો આપતા કહ્યું કે રાજ્યના તમામ વિસ્તારના કોઈ પણ જ્ઞાતિના ગરીબ લાભાર્થીઓ પૈકી શહેરી વિસ્તારના રૂ. ૧,૫૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતા તથા ગ્રામીણ વિસ્તારના રૂ. ૧,૨૦,૦૦૦ સુધીની વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજના હેઠળ ઘર વપરાશનું વીજ જોડાણ મેળવી શકે છે.
આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં પણ ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણ આપ્યા હોવાની વિગતો લેખિત પ્રત્યુત્તરમાં જણાવી હતી.
વિધાનસભા ગૃહ ખાતે મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા વ્યાપારી એકમ સામે કાર્યવાહી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં કુલ ૨૯ વેપારી એકમો સામે પેકેજ્ડ કોમોડિટી રુલ્સ -૨૦૧૧ મુજબ નોંધણી ન કરાવવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી પેટે વસૂલ કરવામાં આવી છે.
વિવિધ ચીજ વસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે નોંધણી વિશે પૂછાયેલા પેટા પ્રશ્નનના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે , વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા પેક કરનાર એકમો માટે પેકેજ્ડ કૉમોડીટીઝ નિયમો-૨૦૧૧ના નિયમ-૨૭ હેઠળ નોંધણી કરાવવી ફરજીયાત છે. નોંધણી માટે રોકાણકાર સુવિધા પોર્ટલ (આઇ.એફ.પી. પોર્ટલ) ઉપર ઓનલાઇન અરજી કરી જરૂરી ફી ભરી ઓનલાઇન નોંધણી પ્રમાણપત્ર મેળવી શકાય છે.