વડતાલના એક સામાજીક પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા ગુજરાત પ્રદેશ BJPના દિગ્ગજ નેતાએ સૂચક નિવેદન આપ્યુ છે. એકતરફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખનું કોકડુ જ્ઞાતિવાદના કારણે ગુંચવાયુ છે, ત્યારે દિગ્ગજ નેતાએ જ્ઞાતિવાદ અંગે નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે. રાજકારણમાં જ્ઞાતિવાદ ઘર કરી ગયાનું તેમણે સ્વીકાર કર્યો છે.

‘રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો, કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજકારણમાં સર્વોચ્ચ પદ પર જઈ શકતો હતો. ઉદાહરણ તરીકે કહું તો ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ (જાતિ કેટલી), ઘનશ્યામ ઓઝા (જાતિ કેટલી),  એ એટલા માટે થતુ હતુ કે, ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી, ગામનો સરપંચ કોણ? તો ગમે તે બને, ભલે એક જ ઓરડો હોય ગામમાં, પણ ગામનું ભલુ કરે તે ગામનો સરપંચ, આ માનસિકતા જનમાનસની હતી અને એક ઘર હોય તો પણ સરપંચ બને, હવે આ નથી થઈ શકતુ, વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટીકલ પાર્ટી, ગમે તેટલુ કહે કે અમે જાતિમાં નથી માનતા, પરંતુ જ્યારે ટીકીટ આપવાની થાય એટલે આંકડા જોયા વગર રહેતા જ નથી. ’

આ શબ્દો છે, નડિયાદના વડતાલમાં એક સામાજના કાર્યક્રમમાં પહોંચેલા પ્રદેશ BJP ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાના. જનમાનસમાં જાતિવાદ ઘર કરી ગયો હોવાની વાત એવા સમયે કરી છે, જ્યારે ખુદ ભાજપના ખેડા જિલ્લા પ્રમુખની જાહેરાત જ્ઞાતિવાદના કારણે અટવાઈ પડી છે.

એકતરફ પ્રદેશના અનેક હોદ્દેદારો અને ખેડા જિલ્લા ભાજપના અગ્રણીઓએ અજય બ્રહ્મભટ્ટને જ પ્રમુખ તરીકે રીપીટ કરવાની માંગણી કરી છે, તો બીજીતરફ ખેડા જિલ્લાના દિગ્ગજ ક્ષત્રિય નેતાઓએ પોતાની જાતિમાંથી જ પ્રમુખ બનાવવામાં આવે તે પ્રદેશ ભાજપ પર દબાણ ઉભુ કર્યુ છે. જેના કારણે હજુ ખેડા જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળ્યા નથી. આવા સમયે પ્રદેશ નેતાનું સૂચક નિવેદન ઘણુ બધુ કહી જાય છે. – હાર્દિક દેવકીયા

આ પણ વાંચો..