ગુજરાત વિધાનસભા ચૂંટણી હજુ 2027ના ડિસેમ્બર માસમાં આવશે. પરંતુ રાજકીય પક્ષોએ અત્યારથી જ કવાયત હાથ ધરી દીધી છે. એપ્રિલમાં ગુજરાત કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે, તે પહેલા રાહુલ ગાંધી આજે સ્વયં ગુજરાત આવી પહોંચ્યા છે અને તૈયારીઓનું નીરિક્ષણ કરવા ઉપરાંત કાર્યકર્તાઓથી માંડી ટોચના નેતાઓ સાથે બેઠક કરશે. આ તરફ PM મોદી બપોરે 1.30 કલાકે સુરત એરપોર્ટ આવશે અને ત્યાંથી સીધા સેલવાસ પહોંચી અને નવીન હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની ગુજરાતમાં પડતી ચાલી રહી છે. આ વખતે રાહુલ ગાંધી કાચુ કાપવાના મૂડમાં નથી. તેમણે 2024 લોકસભાની ચૂંટણીમાં હાર થયા બાદ સંસદમાં હુંકાર કર્યો અને PM મોદી અને અમિત શાહને તેમની હોમપીચ ગુજરાતમાં હરાવવાનો સંકલ્પ કર્યો અને ખુલ્લેઆમ ભાજપને પડકારી.

આ બાદ હવે તેમણે વર્ષો બાદ પુનઃ ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આયોજીત કર્યુ છે. એપ્રિલની શરૂઆતમાં યોજાનારા આ અધિવેશન પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા અને આખેઆખુ માળખુ ફેરવી નાખવા સહિત નવસર્જન કરવા માટે ગુજરાત પ્રવાસનું આયોજન કર્યુ છે.

તેના ભાગરૂપે આજે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. કાર્યકર્તાઓએ તેમનુ સ્વાગત કર્યુ છે. હવે તેઓ અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતે પહોંચ્યા છે. જ્યાં તમામ દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગનો દૌર ચલાવશે. આ સાથે જ તેઓ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કાર્યકર્તાઓને નવુ વિઝન આપશે.

આ તરફ PM મોદી સપ્તાહમાં બીજીવાર આજે ગુજરાત પ્રવાશે આવી પહોંચશે. આ પહેલા રાજકોટ, જામનગર અને ગીર જઈ અને અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. હવે તેઓ ગુજરાતમાં સુરતમાં આવી રહ્યા છે. જ્યાં સુરત સહિત સેલવાસ અને દક્ષિણ ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજશે.