Gujaratના કુલ 144 માછીમારો હાલમાં પાકિસ્તાનની જેલમાં કેદ છે અને તેમાંથી 22ની છેલ્લા બે વર્ષમાં પાડોશી દેશ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, એમ ગુજરાત સરકારે બુધવારે વિધાનસભાને જણાવ્યું હતું. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે 144 માછીમારોમાંથી બે વર્ષમાં કુલ 22 માછીમારો પાકિસ્તાને પકડ્યા છે. તેમાંથી 2023માં 9 અને 2024માં 13 માછીમારો પાકિસ્તાને પકડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી અરબી સમુદ્રમાં ઇમેજિનરી ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) ઓળંગીને પાકિસ્તાની જળસીમામાં ઘૂસવાનો આરોપ લગાવીને ગુજરાતના માછીમારોની અવાર-નવાર અટકાયત કરે છે.

મંત્રીએ એસેમ્બલીને એમ પણ કહ્યું કે પાકિસ્તાને છેલ્લા બે વર્ષમાં 432 ભારતીય માછીમારોને મુક્ત પણ કર્યા છે, જ્યારે જાન્યુઆરી 2025 સુધીમાં 144 હજુ પણ તેમની કસ્ટડીમાં છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા પૂછવામાં આવેલા સંબંધિત પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધી 1,173 ભારતીય માછીમારી બોટ પણ પાકિસ્તાનના કબજામાં છે અને તેમાંથી એક પણ છેલ્લા બે વર્ષમાં દેશમાં પાછી આવી નથી. પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં આ માછીમારોની મુક્તિ માટે નિયમિત સમયાંતરે ગૃહ મંત્રાલયને જરૂરી દસ્તાવેજો અને રાષ્ટ્રીયતાના પુરાવા સબમિટ કર્યા છે.