Gujarat: ગુજરાત વિધાનસભામાં રાજ્યની મેડિકલ કૉલેજમાં M.D.(ડૉક્ટર ઓફ મેડિસીન) અને M.S.(માસ્ટર ઓફ સર્જરી) ની કુલ સીટો અને છેલ્લા બે વર્ષમાં થયેલ વધારા સંદર્ભેના પ્રશ્નનો ઉત્તર આપતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની ૨,૦૪૪ અને M.S.ની ૯૩૨ સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની ૪૪૬ અને M.S. ની ૨૧૧ સીટો વધી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના પ્રત્યેક જીલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત કરવાનો સંકલ્પ કર્યો છે જેને ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર પૂર્ણ કરવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે. રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણતાના આરે હોવાનું આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતું.
મેડિકલ કૉલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધું વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,રાજ્યમાં NMC(નેશનલ મેડિકલ કમિશન) ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત P.G.(પોસ્ટ ગ્રેજ્યુએશન) ડિગ્રી (MD-૩ વર્ષ) ની ૨૦૪૪, પી.જી. ડીગ્રી (MS-૩ વર્ષ)ની ૯૩૨, પી.જી. સુપર સ્પેશ્યાલીટી (DM/M.Ch. ૩ વર્ષ) ની ૧૨૪ અને પી.જી ડીપ્લોમાં (૨ વર્ષ)ની ૩૯ મળીને કુલ -૩૧૩૯સીટો ઉપલબ્ધ છે.
DNB (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશ્યાલિટી (૩ વર્ષ)ની ૧૪૮, DNB સુપર સ્પેશ્યાલિટી (૩ વર્ષ)ની ૭૬ અને DNB ડિપ્લોમાં (૨ વર્ષ)ની ૫૮બેઠકો મળીને કુલ -૨૮૨ તેમજ CPS (કૉલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ) ડિપ્લોમા (૨ વર્ષ)ની કુલ-૨૯૮ બેઠકો ઉપલબ્ધ છે.
આમ કુલ મળીને રાજ્યમાં કુલ-૩૭૧૯જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.
મંત્રીશ્રીએ આ ક્ષણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં અંદાજીત કુલ ૪૫૦ જેટલી યુ.જી. બેઠકો અને ૧૦૧૧ જેટલી પી.જી. બેઠકો માટે વિવિધ સંસ્થાઓએ NMCમાં અપ્લાય કર્યું છે જેના માટે રાજ્ય સરકારે એસેન્સીયાલીટી સર્ટીફીકેટ આપ્યું છે.
એટલે ગુજરાત રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો આવનારા નજીકના સમયમાં જોવા મળશે તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતુ.
રાજયમાં હાલ કુલ ૪૧ મેડીકલ કૉલેજો ઉપલબ્ધ છે. જેમાં ૬ સરકારી, ૧૩ ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત,૩કોર્પોરેશન સંચાલિત, ૧ એઇમ્સ અને ૧૮ સ્વ-નિર્ભર કૉલેજો છે.