આજથી 28 દિવસ પહેલા મોડી સાંજે નડિયાદના એક વિસ્તારમાં 3 લોકોના ટપોટપ મોત થઈ ગયા. આ ઘટનામાં ત્રણેય મૃતકો દારૂના આદી હોવાની માહિતી આવતા લઠ્ઠાકાંડની શક્યતાઓ સેવાઈ રહી હતી. જો કે, પોલીસ તપાસના ધમધણાટ બાદ એક શિક્ષકે પાડોશી મુકબધિર વ્યક્તિ પર સોડીયમ નાઈટ્રાઈટની અસર ચકાસવા અખતરો કરવા સોડામાં ભેળવીને પીવડાવી દીધાનું બહાર આવ્યુ અને આ ઘટનામાં ત્રણના મોત થયાનો ખુલાસો થયો છે.

વાત કંઈક એમ છે કે, 9 ફેબ્રુઆરીએ નડિયાદ જવાહરનગર વિસ્તારમાં મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ), કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ) નામના વ્યક્તિઓની તબિયત લથડી આ ત્રણેય વ્યક્તિઓના ગણતરીના સમયમાં મૃત્યુ નિપજ્યાં હતા.

આ સમગ્ર મામલે પહેલા તો લઠ્ઠાકાંડની શક્યતાઓ સેવાઈ, પરંતુ બાદમાં સમગ્ર મામલે પોલીસે અપમૃત્યુનો ગુનો નોંધ્યો અને લોકલ ક્રાઈમ બ્રાંચના પી.આઈ. કેવલ વેકરીયા અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા સમગ્ર મામલે કનુભાઈ ચૌહાણના પાડોશમાં રહેતા શિક્ષક હરકિશન ત્રણેયના મોત માટે જવાબદાર હોવાનું સામે આવ્યુ છે.

ખેડા જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ શિક્ષક હરકિશન સામે પાટણમાં એક ગુનો નોંધાયા બાદ તેનો કેસ કોર્ટમાં ચાલવા પર હતો. આ સિવાય પણ તે માનસિક રીતે ભાંગી પડ્યો હોય આત્મહત્યાના વિચાર કરતો હતો. તેણે આ માટે ઓનલાઈન એમેઝોનના માધ્યમથી 500 ગ્રામ સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યુ હતુ. આ શિક્ષક હરકિશન પોતે આત્મહત્યા કરે અને તે મૃત્યુમાં ખપી જાય તેમ ઈચ્છતો હતો. અગાઉ અમદાવાદમાં સરખેજ ભુવાકાંડમાં સોડીયમ નાઈટ્રાઈટનો ઉપયોગ અંગે તેને માહિતી હતી.

આ પીણુ પીવાથી મૃત્યુના કારણમાં ‘કાર્ડિયા રેસ્પીરેટરી એરે’ આવે છે, તેની ચોક્કસાઈ કરવા તેણે પાડોશમાં રહેતા મુકબધિર કનુભાઈને જીરાસોડામાં આ સોડીયમ નાઈટ્રાઈટ ઉમેરીને આપી દીધુ. કનુભાઈએ આ જીરાસોડા એકલા ન પીતા તેમના મિત્ર યોગેશ અને રવિન્દ્રને પણ પીવડાવી અને ગણતરીની મિનિટોમાં ત્રણેયનું મૃત્યુ થઈ ગયુ. પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને તમામ હકીકત જણાવી દીધી. જેથી પોલીસે તેની ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાદ આરોપી જ હોસ્પિટલ લઈ ગયો

આ પીણુ પીધા બાદ કનુભાઈનું મૃત્યુ થયુ અને તેમને આ હત્યારો હરકિશન જ સિવિલ હોસ્પિટલ લઈ ગયો. જ્યાં તે સતત મૃત્યુ પાછળનું કારણ જાણવા પ્રયત્નશીલ હતો. પોતે આત્મહત્યા કરે અને તેમાં મૃત્યુ થયાનું સાબિત થાય તો પરીવારને વીમા પાકે અને તેની રકમ મળતા આર્થિક સંકળામણ ન થાય તેવી માનસિકતા રાખી તેણે આ કૃત્ય આચર્યુ હતુ.

આ પણ વાંચો