Israel-Hamas War : ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝા યુદ્ધવિરામ હેઠળ આજે બંધકો અને કેદીઓની પરસ્પર મુક્તિ થવાની છે. હમાસ ગુરુવારે 4 ઇઝરાયલી બંધકોના મૃતદેહ સોંપશે. બદલામાં, ઇઝરાયલે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા પડશે.
હમાસ અને ઇઝરાયલ વચ્ચે ગાઝા યુદ્ધવિરામ કરાર થયાને લગભગ 40 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં બંને પક્ષોએ મોટાભાગના બંધકો અને કેદીઓની આપ-લે કરી છે. હવે હમાસ ગુરુવારે સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં તેના ચાર બંધકોના મૃતદેહ ઇઝરાયલને સોંપશે.
ગાઝા પટ્ટીમાં યુદ્ધ બંધ કરવા માટે ઇઝરાયલ સાથેના યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કાની સમાપ્તિના દિવસો પહેલા, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથે બુધવારે આ જાહેરાત કરી હતી. ઇઝરાયલે શનિવારથી લગભગ 600 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિ મુલતવી રાખી છે. બંધકોની મુક્તિ દરમિયાન હમાસ પર ક્રૂર વર્તનનો આરોપ લગાવીને તેણે આ પગલું ભર્યું છે.
હમાસ પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ
હમાસે કહ્યું કે કેદીઓને મુક્ત કરવામાં વિલંબ એ યુદ્ધવિરામ કરારનું “ગંભીર ઉલ્લંઘન” છે અને જ્યાં સુધી પેલેસ્ટિનિયનોને મુક્ત ન કરવામાં આવે ત્યાં સુધી વાટાઘાટોનો બીજો તબક્કો શક્ય નથી. હમાસના પ્રવક્તા અબ્દુલ લતીફ અલ-કાનોઉએ બુધવારે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે જૂથ ગુરુવારે ચાર બંધકોના મૃતદેહ ઇઝરાયલને સોંપશે. અગાઉ, ઇઝરાયલે હમાસ પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે હમાસે તેના ચાર બંધકોના મૃતદેહ સોંપ્યા ત્યારે ઇઝરાયલ ગુસ્સે ભરાયું.