Odisha ના મલકાનગિરીમાં એક શાળાના છાત્રાલયમાં રહેતી ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ એક બાળકને જન્મ આપ્યો છે. હોસ્ટેલ પ્રશાસનનું કહેવું છે કે અમને ખબર નથી કે વિદ્યાર્થી ગર્ભવતી કેવી રીતે થઈ. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ઓડિશાના મલકાનગિરી જિલ્લામાં સરકારી રહેણાંક શાળાના છાત્રાલયમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યા બાદ આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, સોમવારે બોર્ડની પરીક્ષા આપ્યા પછી છાત્રાલયમાં પરત ફર્યા બાદ વિદ્યાર્થીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિકાસ અને લઘુમતી અને પછાત વર્ગ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું હતું કે, “ગર્લ્સ હોસ્ટેલમાં પુરુષોનો પ્રવેશ પ્રતિબંધિત છે. અમને ખબર નથી કે વિદ્યાર્થી કેવી રીતે ગર્ભવતી થઈ.” મુખ્ય શિક્ષકના જણાવ્યા મુજબ, “આરોગ્ય કર્મચારીઓએ છાત્રાલયમાં રહેતી બધી વિદ્યાર્થિનીઓનું સાપ્તાહિક ચેક-અપ કરાવવું પડે છે. આ ઘટના દર્શાવે છે કે આરોગ્ય કર્મચારીઓ તેમનું કામ યોગ્ય રીતે કરી રહ્યા ન હતા.
દસમા ધોરણની વિદ્યાર્થીનીએ બાળકને જન્મ આપ્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થી અને તેના બાળકને ચિત્રકોંડા સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને મલકાનગિરી જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થી અને તેના બાળક બંનેની હાલત સ્થિર છે. વિદ્યાર્થીનીના માતા-પિતા શાળા વહીવટીતંત્ર પાસેથી જાણવા માંગતા હતા કે તેણીને પ્રસૂતિ પીડા શરૂ ન થાય ત્યાં સુધી તેની ગર્ભાવસ્થા કેવી રીતે ગુપ્ત રાખવામાં આવી હતી. જિલ્લા કલ્યાણ અધિકારી શ્રીનિવાસ આચાર્યએ જણાવ્યું હતું કે રજાઓ માટે ઘરે જતી વખતે વિદ્યાર્થીની ગર્ભવતી થઈ હશે. તેમણે કહ્યું કે આ મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે અને પોલીસે વિદ્યાર્થીનીને ગર્ભવતી બનાવવાની શંકાના આધારે એક વ્યક્તિની અટકાયત કરી છે.