Modi-Macron Talks : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. તેમણે કહ્યું કે ભારત-ફ્રાન્સ સંબંધો તાજેતરમાં નવી ઊંચાઈએ પહોંચ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પેરિસથી માર્સેલી સુધી એક જ વિમાનમાં મુસાફરી કરી હતી. બુધવારે, બંને દેશોએ વેપાર અને રોકાણ સંબંધો વધારવા માટે હાકલ કરી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને વિવિધ વૈશ્વિક મંચો અને પહેલોમાં તેમના જોડાણને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. બંને નેતાઓએ તેમની વ્યાપક વાટાઘાટો પછી, વૈશ્વિક AI ક્ષેત્ર જાહેર હિતમાં ફાયદાકારક સામાજિક, આર્થિક, પર્યાવરણીય પરિણામો પહોંચાડે તે સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં લેવાની તેમની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો.

બંને નેતાઓની મુલાકાત બાદ જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાટાઘાટોમાં દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમ તેમજ મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો અને સુરક્ષા પરિષદની બાબતો સહિત વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર નજીકથી સંકલન કરવા સંમત થયા.

ભારત-ફ્રાન્સ સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા
પીએમ મોદી અને મેક્રોને કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને યુએનએસસીમાં ભારતની કાયમી સભ્યપદ માટે ફ્રાન્સના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યેની તેમની મજબૂત પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને નોંધ્યું કે છેલ્લા 25 વર્ષોમાં તે ધીમે ધીમે બહુપક્ષીય સંબંધમાં વિકસિત થયું છે. વિદેશ સચિવ મિસ્ત્રીએ માર્સેલીમાં જણાવ્યું હતું કે – મોદી અને મેક્રોને યુરોપ, પશ્ચિમ એશિયા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભૂ-રાજકીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.