બનાસકાંઠા જિલ્લાના લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા Ambaji માં સોમવારે 51 શક્તિપીઠ પરિક્રમાના બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમા કરી હતી. બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અંબાજીમાં આયોજિત પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ફ્લેગ ઓફ કરી આ સ્પર્ધા અંબાજી ગબ્બર તળેટી ચાચર ચોકથી શરૂ થઈ 2.8 કિલોમીટરના અંતરે સમાપ્ત થઈ હતી.

બે કેટેગરીમાં આયોજિત આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 18 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા અને સામાન્ય શ્રેણીની દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડ સ્પર્ધાના વિજેતાઓને જિલ્લા કલેકટર અને મહાનુભાવોએ પ્રમાણપત્રો અને પ્રોત્સાહક ચેક અર્પણ કર્યા હતા.

દોડ સ્પર્ધાના વિદ્યાર્થી વર્ગમાં ભરથરી દશરથે પ્રથમ, અંગારી મુકેશે દ્વિતીય અને ભરથરી પ્રકાશે તૃતીય સ્થાન મેળવ્યું હતું. જનરલ કેટેગરીમાં ડાભી વિપુલે પ્રથમ, પરમાર હર્ષે દ્વિતીય અને રાઠોડ રવિન્દ્રએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ દોડ સ્પર્ધામાં અંબાજી પ્રશાસક કમ અધિક કલેક્ટર કૌશિક મોદી, રાજ્ય અધિકારી, શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.