Gujarat: ‘સ્વસ્થ નાગરિક- સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જ્યારે, ગુજરાત ટી.બી., પોલીયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે, ફાઈલેરિયા એટલે કે, ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા આગામી તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ‘માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન’ એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે.
‘હાથીપગા રોગ મુક્ત ગુજરાત’નું નિર્માણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં કેન્દ્રના આ લક્ષ્યાંકને હાંસલ કરવા ગુજરાત અગ્રેસર રાજ્ય રહેશે.
આ અભિયાન ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં, નર્મદા જિલ્લાના નાંદોદ અને ડેડીયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વધઈ એમ ચાર તાલુકામાં યોજાશે.જેમાં અંદાજે ૫.૪૬ લાખથી વધુ નાગરકોને હાથીપગા રોગના કૃમિનો વ્યક્તિના શરીરમાંથી નાશ કરવા માટેની દવા (ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ) આરોગ્ય કાર્યકર/ દવા વિતરક ધ્વારા રૂબરૂમાં ગળાવવામાં આવશે. આ અભિયાનમાં બાકી રહી ગયેલા નાગરિકોને આરોગ્ય કાર્યકર/ દવા વિતરક દ્વારા તા. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીના રોજ ફરીથી ઘરની રૂબરૂ મુલાકાત લઈ આ દવા ગળાવવામાં આવશે.
જ્યારે,બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બિમાર વ્યક્તિ અને પ્રસૂતિના એક અઠવાડિયા સુધીની ધાત્રી માતાઓને આ દવા ગળાવામાં આવશે નહિ. આ અભિયાનને ઝડપી સાકાર કરવા સંબંધિત જિલ્લાની આરોગ્ય ટીમો, આશા, આંગણવાડી વર્કર તેમજ શાળાના શિક્ષકોને જરૂરી તાલીમ આપી સુસજ્જ કરવામાં આવ્યા છે.
આ અભિયાન અંતર્ગત તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ નક્કી કરેલા તાલુકા વિસ્તારની તમામ ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે. સાથે જ, જાહેર સ્થળો પર ૫૬ જેટલા બુથ ગોઠવીને પણ રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે. આ અભિયાન દરમિયાન અને પછી ત્રણ મેડીકલ કોલેજના પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત મુલ્યાંકન હાથ ધરવામાં આવશે.
શું છે હાથીપગાનો રોગ
હાથીપગો (ફાઇલેરીયા)એ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ કૃમિથી થતો રોગ છે. જે સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે. આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ૬થી ૮ વર્ષ બાદ આ રોગના લક્ષણો જેમ કે, લસિકા ગ્રંથીઓ/ લસિકા વાહિનીઓ ફૂલી જવાથી હાથ-પગમાં સોજો આવવો, અથવા પુરૂષોમાં હાઈડ્રોસીલ (વધરાવળ) જોવા મળે છે.
આ રોગના જીવાણુઓ રાત્રીના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્ર દ્વારા રાત્રે ૮થી ૧૨ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપીને ચેપ ફેલાતો અટકાવી શકાય છે.
હાથીપગા રોગના લક્ષણો
હાથીપગાને આપણે “લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ” નામે પણ ઓળખીએ છીએ. હાથીપગો એ શરીરમાં રહેલી લસિકાગ્રંથિઓમાં ફાઇલેરિયાસિસના કૃમિનો ચેપ લાગવાને કારણે થાય છે. હાથીપગો થાય એટલે પગમાં સોજો આવવો અને સમયાંતરે તાવ આવે, શરીરમાં દુખાવો થાવ, ઠંડી લાગે, ધ્રુજારી આવે, શરીર પર ખંજવાળ આવે છે.