ગત તારીખ 31 જાન્યુઆરી 2025 શુક્રવારના રોજ મળેલી ડીસા નગરપાલિકાની બોર્ડ મીટીંગમાં વિપક્ષના સભ્યો દ્વારા બોર્ડ મિટિંગમાં પૂર્ણ સમયની ચર્ચા કરવા બાબતે સત્તા પક્ષના પદાધિકારીઓને રજૂઆત કરતા જવાબદાર પદાધિકારીઓ દ્વારા વિપક્ષના સભ્ય સાથે ખરાબ વર્તણુક કરતા પાકિસ્તાની શબ્દ ઉચ્ચારાયેલ…. ઉપરાંત જે તે પદાધિકારીના સ્વજનો દ્વારા વિપક્ષના આમ આદમી પાર્ટી(AAP)ના સભ્યને ધમકી પણ આપવામાં આવેલ. જેને લઇ આજરોજ આમ આદમી પાર્ટી (AAP)ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ડો. રમેશભાઈ પટેલની આગેવાનીમાં બનાસકાંઠા આમ આદમી પાર્ટીના પ્રમુખ, પ્રભારી, પાર્ટીના અન્ય પદાધિકારીઓ તેમજ ખાસ નગરપાલિકા સદસ્ય વિજયભાઈ દવેને સાથે રાખી ઉપરોક્ત મુદ્દા ઉપર રેલીનું આયોજન કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે ખુલાસો કરવા તેમજ યોગ્ય પગલાં લેવા માટે અલ્ટીમેટમ આપવામાં આવેલ છે

ડોક્ટર રમેશ પટેલે તંત્ર સમક્ષ ગંભીર સવાલો પૂછ્યા હતા કે આમ આદમી પાર્ટી(AAP)ના નેતા વિજયભાઈ પર તેમના સગા વ્હાલા દ્વારા હુમલો કરવામાં આવે છે અને આ ઘટનાને પાંચ દિવસ થયા હોવા છતાં ગુનેગારો સામે શા માટે કોઈ ફોજદારીનો ગુનો નોંધાયો નથી? વધુમાં ડોક્ટર રમેશ પટેલે સવાલો કર્યા હતા કે શું ડીસાની જનતા માટે પ્રશ્નો ઉપાડવા એ ગુનો છે? શું ડીસામાં થતા ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછવા એ ગુનો છે? શું ખોટા કરવેરા સામે વિરોધ નોંધાવવો એ ગુનો છે? શું ખોટી રીતે પાસ થતા ટેન્ડરો સામે સવાલ પૂછવા એ ગુનો છે? શું ડીસાના માલિક બની બેઠેલા ડીસાના ભાજપના નેતાઓના ગેરકાયદેસર દબાણ સામે વિરોધ પ્રદર્શન કરવું એ કોઈ ગુનો છે?