કેન્દ્રીય બજેટમાં રેલ્વે હેઠળ Gujaratને 17155 કરોડ રૂપિયાની ઐતિહાસિક ફાળવણી કરવામાં આવી છે. આ 2014 પહેલાના 589 કરોડના સરેરાશ ખર્ચ કરતાં 29 ગણું છે. 2014 થી ગુજરાતમાં 2,739 કિલોમીટરના નવા ટ્રેક નાખવામાં આવ્યા છે, જે ડેનમાર્કના સમગ્ર રેલ નેટવર્ક કરતાં વધુ છે. 2014 થી, 3,144 કિમી રેલ લાઇનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત 97% ઇલેક્ટ્રિફાઇડ થઇ ગયું છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે નવી દિલ્હીમાં રેલ ભવનમાં મીડિયાને સંબોધતા કહ્યું કે 30,826 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 2950 કિલોમીટરના 42 ચાલુ પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે આગામી બેથી ત્રણ વર્ષમાં દેશને 200 નવી વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ રેલ અને 17,500 નોન-એસી કોચ મળવાની અપેક્ષા છે. આ વર્ષના બજેટમાં 4.60 લાખ કરોડ રૂપિયાના રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિવિધ પ્રોજેક્ટ્સ દ્વારા ભારતીય રેલ્વેની સલામતી વધારવા માટે બજેટમાં આ વર્ષે ખર્ચ માટે 1.16 લાખ કરોડ રૂપિયાથી વધુની નોંધપાત્ર રકમ ફાળવવામાં આવી છે.
87 સ્ટેશનોનો પુનઃવિકાસ
તેમણે એ પણ માહિતી આપી હતી કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અંદાજિત રૂ. 6303 કરોડના ખર્ચે 87 સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશનોમાં અમદાવાદ, ચાંદલોડિયા, આણંદ, અંકલેશ્વર, અસારવા, ભચાઉ, રાજકોટના ભક્તિનગર, ભાણવડ, ભાવનગર, દ્વારકા, ગાંધીધામ, ગોધરા, ગોંડલ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ વગેરેનો સમાવેશ થાય છે.