Ahmedabadના જોધપુર વિસ્તારમાં શાકભાજી વેચતા લારી ગલ્લાવાળા લોકો પોતાની માંગોને લઈને આંદોલન કરી રહ્યા છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખે Ishudan Gadhaviએ આ તમામ લોકોને મુલાકાત લીધી હતી અને મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, મને દુઃખ થાય છે કે ભુપેન્દ્રભાઈ પટેલની ભાજપ સરકાર ખૂબ જ અભિમાની સરકાર છે. અમદાવાદના જોધપુર વિસ્તારના લારી ગલ્લાવાળા લોકો છેલ્લા 46 દિવસથી આંદોલન કરી રહ્યા છે અને સાત વખત આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે. અત્યાર સુધી આ તમામ લોકોએ ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો અને સાંસદોને ચૂંટ્યા અને એના બદલામાં ભાજપે આ લોકોને શું આપ્યું? 15 લાખનો વાયદો અને રોજગારી તો દૂર રહી પરંતુ જે લોકો પોતાની જાતે શાકભાજી વેચીને પોતાની રોજીરોટી ચલાવે છે તે વાત ભુપેન્દ્રભાઈ પટેલ જોઈ નથી શકતા.
સરકારી આ લોકોને જે જગ્યા ફાળવી છે, ત્યાં કોઈ માણસ શાકભાજી લેવા આવતું નથી. સરકાર ઉદ્યોગપતિઓને લાખો એકર જમીનો આપી દે છે પરંતુ આ દેવીપુજક અને ગરીબ લોકો સામે સરકાર જોતી નથી. આ તમામ લોકોએ મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપ્યા છે અને તેમણે જવાબમાં ફક્ત આશ્વાસન આપ્યું છે, આ કામ ફક્ત કોર્પોરેશન લેવલનું છે અને પાંચ મિનિટમાં થઈ જાય તેવું છે તેમ છતાં પણ આ લોકો કરતા નથી. 46 દિવસથી આ લોકો અહીંયા જ ઊંઘે છે, અહીંયા જ જમે છે અને અહીંયા જ રહે છે. અદાણી અંબાણીને અને બીજા ઉદ્યોગપતિઓના કરોડો અબજોના દેવા માફ થઈ જાય છે પરંતુ લારી પાથરણાંવાળાને સરકાર જગ્યા નથી આપી શકતી!
આ લોકો રોજે રોજ જે કમાતા હોય છે તે કમાઈને નહીં જાય તો ઘર કઈ રીતે ચલાવશે. આ લોકો મુખ્યમંત્રીની જેમ કરોડો-અબજોપતિ નથી. હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે આ જગ્યા તમારા ઘાટલોડીયા વિસ્તારની નજીક અમદાવાદમાં જ છે. અઠવાડિયાની અંદર આ લોકોની સમસ્યાનો ઉકેલ કરવામાં આવે અને જો સમસ્યાનો ઉકેલ નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી આ લોકોની સાથે મળીને લડત ચલાવવા માટે તૈયાર છે. પુરુષોની સાથે સાથે આ જગ્યા પર પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ બેઠા છે. હું તમામ દેવીપુજક સમાજના લોકોને કહેવા માંગીશ કે જ્યાં જ્યાં તમારા આગેવાનો છે ત્યાં રહીને ભાજપને રજૂઆત કરે અને ભાજપ પર દબાણ લાવે. મતદાનના સમયે ભાજપ આપણા સમાજના લોકોને યાદ કરે છે પરંતુ અત્યારે આ લારીવાળા લોકોની સામે કોઈ જોતું નથી. માટે અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે.