આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય Hemant Khavaએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લા પંચાયતની ત્રીજી અને ખાસ સામાન્ય સભામાં આજે હું ઉપસ્થિત રહ્યો હતો. આજે જિલ્લા પંચાયતમાં રજૂ કરાયેલું બજેટ પ્રજાલક્ષી ન હોવાથી હું આવા બજેટને સખત શબ્દોમાં વખોડું છું. 12.30 કરોડના બજેટ સામે આરોગ્ય ક્ષેત્ર માટે ફક્ત 60,000 જેવી મામૂલી રકમ, ખેતીવાડી ક્ષેત્ર માટે ફક્ત 30,000 રૂપિયા જેવી મામુલી રકમ, અને પશુપાલન ક્ષેત્રમાં 1.10 લાખની મામુલી રકમની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષનો સુધારા બજેટ પણ આજે રજુ કરવામાં આવ્યું છે. ગત વર્ષે જિલ્લાના રસ્તાઓના સમારકામ માટે જે 70 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ એક વર્ષ થયું હોવા છતાં પણ આમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી.

સમગ્ર જિલ્લાના રોડ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે તેમ છતાં પણ જે રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, તેને જિલ્લા પંચાયત વાપરી શકી નથી. ચાલુ વર્ષે જુના ચેકડેમના રીપેરીંગ કરવા માટે ફક્ત 20 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, આજે સમગ્ર જિલ્લામાં 500થી પણ વધારે ચેકડેમોની હાલત ખરાબ છે. ગત વર્ષે એક પણ ચેકડેમનું રીપેરીંગ કરવામાં આવેલ નથી. આ વર્ષે 20 લાખની ફાળવણી જોઈને લાગી રહ્યું છે કે કદાચ જિલ્લા પંચાયત દ્વારા એક કે બે ચેકડેમનું સમારકામ કરે. અધિકારીઓને અને પદાધિકારીઓને બિલ્ડીંગ મરામત અને બિલ્ડીંગ જાળવણીના નામે 50-50 લાખ જેટલા રૂપિયા બિલ્ડીંગ જાળવણીના નામે ફાળવી દેવામાં આવ્યા છે. માટે આ બજેટ પ્રજાલક્ષી બજેટ નથી અને અમે આ બજેટને સખત શબ્દોમાં વખોડીએ છીએ.