આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ પોતાની જાતને દુનિયાની સૌથી મોટી પાર્ટી કહે છે પરંતુ ભાજપ પાસે જાતે યોજનાઓ બનાવી શકે તેવા માણસો લાગતા નથી. એટલા માટે જ આજે દિલ્હીમાં ભાજપે કે સંકલ્પ પત્ર જાહેર કર્યું તેમાં ભાજપે જણાવ્યું કે આમ આદમી પાર્ટી એટલે કે અરવિંદ કેજરીવાલજીની જે પણ યોજનાઓ દિલ્લીમાં ચાલુ છે, તેને ભાજપ ચાલુ રાખશે. આનો એક સ્પષ્ટ મતલબ થયો કે અરવિંદ કેજરીવાલજીએ પોતાની બુદ્ધિથી જે યોજનાઓ બનાવી ભાજપ તેનો જ ઉપયોગ કરવા માંગે છે.

બીજી એક વાત એ કે અરવિંદ કેજરીવાલજીની સરકારે દિલ્હીમાં ફ્રી વીજળી, ફ્રી પાણી, મહિલાઓને ફ્રી બસ સુવિધા અને મહિલાઓને દર મહિને 2100 રૂપિયાની સન્માન રાશિ, જેટલી અનેક યોજનાઓ જે શરૂ કરી છે તે તમામ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે તે આજે સાબિત થઈ ગયું. PM મોદી કેજરીવાલજીની યોજનાઓને રેવડી રેવડી કહેતા હતા, તો આજે આ મુદ્દે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપવો જોઈએ. આજે એ બાબત સાબિત થઈ ગઈ કે અરવિંદ કેજરીવાલજીની યોજનાઓ રેવડી નથી પરંતુ કલ્યાણકારી યોજનાઓ છે. અને એટલા માટે જ કલ્યાણકારી યોજનાઓને ભાજપે ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

મહત્વપૂર્ણ બાબતે એ છે કે જો કેજરીવાલજીની ગેરંટીઓને જ લોકો પસંદ કરતા હોય, તો લોકો ભાજપને શા માટે મત આપે? કારણ કે કેજરીવાલજી પોતાની યોજનાઓને સારી રીતે ચલાવી શકે છે, તો ભાજપને કોઈ શા માટે વોટ આપે? ભાજપે રાજસ્થાનમાં સસ્તા ગેસ સિલિન્ડર આપવાની વાત કરી હતી અને મહારાષ્ટ્રમાં પણ અનેક વાયદાઓ કર્યા હતા પરંતુ આવા કોઈ વાયદાઓ ભાજપ પૂરું કરતું નથી. બે કરોડ રોજગારીની વાત ભાજપે કરી હતી સાથે સાથે 15 લાખ રૂપિયા આપવાની પણ વાત ભાજપે કરી હતી પરંતુ આવા કોઈ વાયદાઓ ભાજપ પૂરો કરતું નથી.

વધુ એક મહત્વપૂર્ણ બાબત એ કે ગુજરાતમાં ભાજપની 30 વર્ષથી સરકાર છે પરંતુ ભાજપ જો દિલ્હીમાં મહિલાઓને ₹2500 આપવા માંગે છે, દિલ્હીમાં તમે નાગરિકોને 300 યુનિટ મફત વીજળી આપવા માંગો છો, તો પછી ગુજરાતની બહેનો અને ગુજરાતના લોકોએ કયા પાપ કર્યા છે, જેના કારણે તેમને આ સુવિધાઓ 30 વર્ષના ભાજપના શાસનમાં હજુ સુધી મળી નથી? ગુજરાતની ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓ કહેતા હતા કે ગુજરાતના લોકોને મફતનુંના ખપે, પરંતુ ભાજપના નેતાઓ તો મફતની સુવિધાઓનો લાભ લે છે. મંત્રીઓ, મુખ્યમંત્રીઓ મફતમાં પ્લેનમાં પણ ફરતા હોય છે, પરંતુ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મફતમાં આપતા નથી.

આજે ફરી એકવાર દોગલી ભાજપ જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. જો ભાજપમાં તાકાત હોય તો 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે જ તો ગુજરાતમાં આ કામ કરી બતાવો. ગુજરાતની મહિલાઓને પણ મહિને 2500 રૂપિયા આપો, પેન્શન યોજનાઓ શરૂ કરી બતાવો, ખેડૂતો માટે પેન્શન યોજનાઓ શરૂ કરી બતાવો, ગુજરાતમાં પણ મહોલ્લા ક્લિનિક શરૂ કરી બતાવો, ગુજરાતમાં પણ ફ્રી વીજળી અને ફ્રી પાણી આપો. હકીકતમાં ભાજપ આવા કોઈ કામ કરી શકતું નથી, તે ફક્ત જાતિ અને ધર્મની રાજનીતિ કરીને લોકોને અંદરો અંદર લડાવવાનું કામ કરે છે.