Ahmedabad News: લાંબા સમયથી વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો માટે સારા સમાચાર છે. અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ વચ્ચે આ નવી સ્લીપર ટ્રેનની ટ્રાયલ રન બુધવારે બપોરે સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રાયલ્સ દરમિયાન ટ્રેને મહત્તમ 130 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી હતી. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ આ રૂટ પર વંદે ભારત સ્લીપર ચલાવવાનું સપનું સાકાર થશે.

અહેવાલ મુજબ ટ્રાયલ રન દરમિયાન ટ્રેન લગભગ 1:50 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી અને 2:45 વાગ્યે અમદાવાદ જવા રવાના થઈ. જોકે, આ ટ્રેન 12:40ના નિર્ધારિત સમયની સરખામણીમાં લગભગ 1.10 કલાક મોડી આવી હતી. અધિકારીઓએ વિલંબને “અનિવાર્ય” કારણો ગણાવ્યા.

ટ્રાયલ રનની સફળતા હવે કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS) પાસેથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મદદ કરશે. પશ્ચિમ રેલ્વે પહેલેથી જ મુંબઈથી ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચલાવી રહી છે.

નવી વંદે ભારત સ્લીપર ટ્રેન ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે. તેમાં 16 કોચ હશે જેમાં 11 એસી 3-ટાયર, 4 એસી 2-ટાયર અને 1 ફર્સ્ટ એસી કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં માત્ર સામાન્ય મુસાફરો માટે જ નહીં પરંતુ દૃષ્ટિહીન મુસાફરો માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ટ્રેન દિલ્હી-મુંબઈ રૂટ પર પણ ચલાવવાનું શરૂ કરી શકે છે. મુસાફરોની આરામ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ ટ્રેન લાંબા અંતરની મુસાફરીને વધુ સરળ બનાવશે.