Gujaratમાં ઉત્તરાયણ દરમિયાન માત્ર માણસો જ નહીં પરંતુ પશુ-પંખીઓ પણ ઘાયલ થયા છે. રાજ્યમાં એક જ દિવસમાં 606 પક્ષીઓ ઘાયલ થયા છે. સામાન્ય દિવસોમાં સરેરાશ આવા 26 કેસ નોંધાય છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓને ઈજાઓ સહિતની ઈમરજન્સી સંભાળવામાં આવી હતી. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ના ડેટા મુજબ, રાજ્યમાં સામાન્ય દિવસે સરેરાશ 26 પક્ષીઓની ઈજાગ્રસ્ત ઈમરજન્સી નોંધાય છે. તેની સરખામણીમાં મંગળવારે 606 ઈમરજન્સી નોંધાઈ હતી. આ અંદાજે 2300 ટકા વધુ છે. ઘાયલ પક્ષીઓમાં કબૂતર, બાજ અને કાગડા વધુ જોવા મળે છે.

અમદાવાદમાં સૌથી વધુ ઈમરજન્સી

આંકડા દર્શાવે છે કે અમદાવાદમાં સામાન્ય દિવસે સરેરાશ આઠ પક્ષીઓ ઘાયલ જોવા મળે છે. તેની સરખામણીમાં મકરસંક્રાંતિ દરમ્યાન 207 પક્ષીઓનું સંચાલન કરવામાં આવ્યું હતું. વડોદરામાં 33, સુરતમાં 54, રાજકોટમાં 51, જૂનાગઢમાં 16, જામનગરમાં સાત અને ગાંધીનગરમાં 34 ઇમરજન્સી પક્ષીઓનું સંચાલન કર્યું.