આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે BJPના નેતાઓએ પાટીદાર દીકરી પર જે અત્યાચાર કર્યો અને તેની આબરૂના લીરે લીરા ઉડાવ્યા, એ ઘટના બાદ આમ આદમી પાર્ટીના અમારા પ્રદેશના નેતા ગોપાલ ઇટાલીયાએ લોકોને જાગૃત કરવા પોતાની જાતને પટ્ટા માર્યા. સાથે સાથે બીજા કેટલાય યુવાનોના અંતરાત્મા જાગ્યા છે. હમણાં મળતા સમાચાર અનુસાર ભાજપના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડીયાનો આત્મા પણ જાગ્યો છે. એમણે પણ નિવેદન કર્યું છે કે “પાટીદાર દીકરી પર ખોટો અત્યાચાર થયો છે અને પોલીસની સામે શિક્ષાત્મક પગલા લેવા જોઈએ.”
ભાજપના નેતાઓનો આત્મા જાગે તે ગુજરાત માટે અને દેશ માટે સારી બાબત છે. BJPના નેતાઓ મોટાભાગે વિચારતા હોય છે કે અમે જો બોલીશું તો અમારી સાથે શું થશે? શું ઇડી-સીબીઆઈ અમારા ઘરે આવશે? શું અમે બોલીશું તો અમારા ઘરે પોલીસ આવશે? અને પદ લઈ લેશે, એવા ડરના વાતાવરણમાં ભાજપના નેતાઓ જીવી રહ્યા છે. માટે નારણભાઈ કાછડીયાએ જે નિવેદન કર્યું તે માટે તેમની આત્માને સલામ. હું ભાજપના તમામ નેતાઓને કહીશ કે આ ફક્ત એક પાટીદાર દીકરી નથી, પરંતુ સમગ્ર ગુજરાતની દીકરી છે. ગુજરાતમાં અનેક દીકરીઓ સાથે બળાત્કાર, હત્યાઓ અને ગેંગરેપની ઘટનાઓ ઘટે છે, તો આ તમામ માટે તમારે ભાજપને સવાલ કરવા જોઈએ.
બીજી એમણે વાત કરી કે પોલીસ સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ, આ બિલકુલ યોગ્ય વાત છે. એસપી સહિતના લોકો સામે સસ્પેન્શન સહિતના અને ઇન્કવાયરી બેસાડવાના પગલાં લેવા જોઈએ. સાથે એસપીને સુચના આપનાર ચાહે કોઈ દંડક હોય કે ધારાસભ્ય હોય તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. જો આવું થશે તો ભાજપના બીજા નેતાઓ દીકરીઓની આબરૂ પર હાથ નાખતા પહેલા વિચાર કરશે. ભાજપના જે પણ ધારાસભ્યએ એસપીને ફોન કર્યો હોય અથવા તો આદેશ આપ્યો હોય એમના ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ અને એમને પણ જેલની સજા થવી જોઈએ અને કોરડા પણ પડવા જોઈએ. ગુજરાતના ભાજપના બીજા પણ લોકોના આત્માઓ જાગે તેવી પણ હું આશા રાખું છું.