Gujarat હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, કર્મચારીની લીવ એન્કેશમેન્ટ (રજા રોકડ રકમ) એ પગાર સમાન અને મિલ્કત કહેવાય., તેનાથી તેને વંચિત રાખવા એ વ્યકિતના બંધારણીય અધિકારનો ભંગ સમાન કહેવાય. નિવૃત્ત કર્મચારીઓને રજા રોકડની રકમ ચૂકવી આપવા અંગેના લેબર કોર્ટના હુકમને પડકારતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિટ અરજી હાઇકોર્ટના જસ્ટિસ મોક્ષા કે.ઠક્કરે ફગાવી દીધી હતી.

Gujarat: માન્ય વૈધાનિક જોગવાઈ વિના વ્યકિતને તેના અધિકારથી વંચિત રાખવું એ બંધારણીય જોગવાઇઓના ભંગ સમાન

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, અમ્યુકોના નિવૃત્ત કર્મચારીઓના દાવો ખુદ કોર્પોરેશન દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર પર આધારિત છે અને તેથી એવું ના કહી શકાય કે, લેબર કોર્ટે નિવૃત્ત કર્મચારીઓની તરફેણમાં એવોર્ડ આપવામાં ભૂલ કરી છે. લીવ એન્કેશમેન્ટ (રજા રોકડ) એ વતન સમાન છે, જે મિલ્કત છે અને માન્ય વૈધાનિક જોગવાઈ વિના વ્યકિતને તેની મિલ્કતથી વંચિત રાખવું એ બંધારણીય જોગવાઇના ઉલ્લંઘન સમાન છે.

જો કોઇ કર્મચારીએ રજા મેળવી હોય અને કર્મચારીએ તેની ઉપાર્જિત રજા તેના ક્રેડિટમાં જમા કરવાનું પસંદ કર્યુ હોય તો રોકડ રકમ તેનો અધિકાર બની જાય છે અને કોઈપણ સત્તાની ગેરહાજરીમાં અરજદાર કોર્પોરેશન દ્વારા તે અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહી. લેબર કોર્ટે અમ્યુકોના નિવૃત્ત કર્મચારીને રૂ.૧,૬૩,૬૨૦ની રજા રોકડની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો હતો. કોર્ટે અમ્યુકોને રૂ.૧૦૦૦ દંડ પણ કર્યો હતો.