WOMAN SARPANCH COMMITTED SUICIDE IN SURAT:  સાયણ ગ્રામ પંચાયતની બાહોશ મહિલા સરપંચ જીજ્ઞાસાબેન ઠક્કરે અચાનક અગમ્ય કારણોસર ગુરૂવારે સાંજે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં રાજકીય આગેવાનો અને ગ્રામજનો સૌ સ્તબ્ધ થઈ ગયા છે. સાયણની મહિલા એડવોકેટ જીજ્ઞાસાબેન અશ્વિનભાઈ ઠક્કર (ઉ આ. વર્ષ.૪૧) છેલ્લા ત્રણ વર્ષથી ઓલપાડ તાલુકાની મહત્વની ગણાતી સાયણ ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ સંભાળી રહી હતી. તે સાયણ ગામ પંચાયતની કાયાપલટ માટે બહાદુરીથી વહીવટ કરવા માટે લોકોમાં જાણીતી હતી.(WOMAN SARPANCH COMMITTED SUICIDE IN SURAT)

જીજ્ઞાસાબેન ઠકકર નિત્યક્રમ મુજબ ગુરૂવારે બપોરે સાયણ પંચાયત કચેરીમાં ગયા બાદ આશરે બપોરે ૧:૪૫ વાગ્યે જમવાનો સમય થતાં ગ્રા.પં.નો કર્મચારી મુકુંદ પટેલ સરપંચ જીજ્ઞાસાબેનને બાઈક ઉપર સાયણ- ગોથાણ રોડના તેનાં ઘરે સ્વર્ગ પેલેસ ઉપર મુકી ગયો હતો. ત્યાં સાસુ સાથે જમ્યા બાદ જીજ્ઞાસાબેન તેનાં મકાનની ઉપરનાં રૂમમાં આરામ કરવા ગયા હતા. આ સમયે ઘરમાં તેની સાસુ, કામવાળી અને ૧૦ વર્ષની દિકરી હીર ઘરમાં હતી. જ્યારે તેણીનાં પતિ અને ગામનાં માજી સરપંચ અશ્ર્વિનભાઈ ઠક્કર કોઈ કામ અર્થે સુરત ગયા હતાં. જીજ્ઞાસાબેન રૂમમાં ગયા બાદ કોઈક કારણોસર આશરે ૪:૪૫ વાગ્યે રૂમમાં સિલિંગનાં પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ મૃતકની દિકરી હીરને થતાં તેણે તેનાં પિતા અશ્વિન ઠક્કરને મોબાઈલ ફોનથી જાણ કરી હતી. અશ્વિન ઠક્કર સુરતથી ઘરે પહોંચે તે પહેલા ઘટનાની જાણ વાયુવેગે સાયણમાં પ્રસરતા ગામ પંચાયતના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં.

 સાયણ પોલીસની મદદથી તેણીની લટકતી લાશ ઉતારી ત્વરિત સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. સાયણ દોડી આવેલ ઓલપાડ પીઆઈ સી. આર.જાદવે મૃતકની લાશ પીએમ માટે સાયણના સરકારી દવાખાનામાં ખસેડી હતી. આ ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ઓલપાડ ભાજપ માજી સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ સહિતનાં નેતાઓ સાયણ ખાતે દોડી આવ્યા હતાં. મહિલા સરપંચના આપઘાત લોકો સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાની તપાસ રહેલા ઓલપાડ પીએસઆઈ જે.એ.દેસાઇએ રૂમ સીલ કર્યો છે. કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. જિજ્ઞાસાબેનના ભાઈ હેમંત મનહરભાઈ મિસ્ત્રીએ પણ ઓલપાડ પોલીસ મથકમાં બહેનના આપઘાતની પોલીસ ફરિયાદ નોંધાવી છે. (WOMAN SARPANCH COMMITTED SUICIDE IN SURAT)