Dwarka ગત વર્ષના ડિસેમ્બર માસમાં યોજાયેલ એક સાથે ૩૫ હજારથી વધુ આહિરાણીઓના મહારાસનો અનોખા વિક્રમને એક વર્ષ પૂર્ણ થયું છે. જે નિમિત્તે દ્વારકાના આહિર સમાજના વિશાળ પટાંગણમાં એક સાથે ૧૧૦૮ આહિર બાળકો દ્વારા કંઠસ્થ કરાયેલ ભગવદ્ ગીતાના ૧૨માં અધ્યાયના શ્લોકોનું સામૂહિક પઠન સહિતના કાર્યક્રમો આહિરાણીઓ દ્વારા હાથ ધરાયા હતા.

Dwarka સમૂહ સૂર્યનમસ્કાર, માનવસાંકળ, ધ્વજારોહણના ભવ્ય કાર્યક્રમો સંપન્ન, બહારનાં રાજ્યનાં આહીર યાદવ બાળકો પણ જોડાયાં

ગત વર્ષે આજના દિને આહિરાણી, મહારાસ સાથે ૩૫ હજારથી વધુ ભગવદ્ ગીતાજીની પુસ્તિકા સ્મૃતિભેટ તરીકે વિતરિત કરી સનાતન ધર્મ સાથે સંસ્કારોના સિંચન માટે નિયમિત ગીતા પાઠ કરવા અપીલ કરાઈ હતી. જે સંદર્ભે આજરોજ તા. ૨૨ ના મહારાસના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ૧૧૦૮ બાળકો દ્વારા ગીતા શ્લોકનું સમૂહ પઠન કરાયું હતું. આ સંદર્ભે ગુજરાત ઉપરાંત ગોકુળ મથુરા વૃંદાવનથી તેમજ દેશવિદેશથી આહિર- યાદવ કુળના બાળકાએ કાર્યક્રમમાં ભાગ લીધો છે. જેમાં હાલાર ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત સહિતના આહિર સમાજના અગ્રણીઓ, રાજકીય નેતાઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ સૂર્યનમસ્કાર, ગીતા પઠન, વિશ્વ શાંતિ હેતુ માનવસાંકળ, ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ સહિતના આયોજનો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.

આ આયોજનમાં ખૂબ જ મજા પડી, તમામ આહિરાણી બહેનોનો તથા ભાઈઓનો પૂરતો સપોર્ટ રહ્યો અને ગત વર્ષ અને આ વર્ષના આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતા હવે દર વર્ષ કંઈક ને કંઈક ભવ્ય પ્રોગ્રામ કરવો એવું વિચારી રહ્યા છીએ તેમ મુખ્ય આયોજક લીરીબેન દ્વારા પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો