આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ દ્વારા વારંવાર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે. સંસદમાં BJPના એક નેતાએ બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ જે નિવેદન આપ્યું, હકીકતમાં આ નિવેદનથી તેમના અંદર રહેલી બાબાસાહેબ આંબેડકર માટેની ભાવનાઓ બહાર આવી હતી. પરંતુ એ નેતાએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે સંસદમાં બોલી રહ્યા છો અને તમે જે હોદ્દો ધરાવવો છો તે બાબા સાહેબની દેન છે. બીજી બાજુ આજે ગુજરાતમાં એક દુઃખદ ઘટના બની. અમદાવાદમાં ભાજપના રાજમાં બાબાસાહેબ આંબેડકરની એક પ્રતિમાને ખંડિત કરવામાં આવી. અમારો સવાલ છે કે કોના ઇશારે આ કૃત્ય કરવામાં આવ્યું છે?
બાબાસાહેબની મૂર્તિને ખંડિત કરીને તમે કોને ઠેસ પહોંચાડવા માંગો છો અને શું સાબિત કરવા માંગો છો? હું કહેવા માંગીશ કે બાબાસાહેબ ફક્ત દલિતોના ભગવાન નથી, પરંતુ તમામ ગરીબો, વંચીતો, શોષીતો અને અમીરોને પણ હક અને અધિકાર આપનાર વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર છે. બાબાસાહેબના કારણે આપણે ઊંચી કોલર રાખીને લોકશાહીમાં જીવી રહ્યા છીએ અને તમામ મુદ્દાઓ ઉઠાવી શકીએ છીએ અને બોલી શકીએ છીએ. અમારી માંગ છે કે આ ઘટનાના આરોપીની ધરપકડ કરીને તેનો જાહેરમાં ઝુલુસ કાઢવામાં આવે. આ આરોપીને એવી કડકમાં કડક સજા કરવામાં આવે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકરની સાથે સાથે બીજા કોઈ પણ મહાપુરુષોની મૂર્તિને ખંડિત કરવાનું કોઈ વિચારી પણ ન શકે.