ગુજરાતમાં PMJAY યોજનાની માન્યતા હેઠળ આવતી હોસ્પિટલમાં કૌભાંડની ઘટનાઓ બાદ સરકાર અચાનક ઊંઘ માંથી જાગી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં યોજના હેઠળ કૌભાંડ આચરાયાનો પર્દાફાશ થયા બાદ સરકારે યોજનાને લઈ નવી SOP તૈયાર કરી છે. હેલ્થ મિનિસ્ટર ઋષિકેશ પટેલે PMJYAY યોજનાની નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી હતી. નવી SOPમાં આ યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલમાં હ્રદય રોગના નિષ્ણાંત તબીબો ફૂલટાઈમ રાખવા પડશે. અગાઉ હ્રદયરોગના નિષ્ણાંત તબીબો PMJAY યોજના સાથે સંકળાયેલી એક સાથે ત્રણ હોસ્પિટલમાં સેવા આપી શકતા હતાં. તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જે દર્દીની કરવામાં આવે તેના પરિવારજનો ઉપરાંત આરોગ્ય વિભાગને પણ પુરાવા રૂપે સીડી આપવાની રહેશે.

આ ઉપરાંત નવી SOPમાં ઈમરજન્સી કેસમાં હોસ્પિટલને માત્ર એન્જિયોપ્લાસ્ટીની જ મંજૂરી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં કાર્ડિયાક ઓપરેશન થિયેટર હોવું પણ ફરજિયાત બનાવાયું છે. આ ઉપરાંત હ્રદયરોગની સારવાર માટેની હોસ્પિટલમાં ઓછામાં ઓછા બે વેન્ટિલેટર સાથેના ICU ફરજિયાત બનાવાયા છે. તો આ ICU સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ સાથે કાર્યરત હોવા જોઈએ તેવી પણ જોગવાઈ નવી SOPમાં કરવામાં આવી છે.

હોસ્પિટલોએ ફૂલટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક રાખવા પડશે. તે સિવાય હોસ્પિટલોએ ફૂલટાઈમ ફિઝીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ઈમરજન્સીમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટિીની CD પ્રિ-ઓથ સમયે અપલોડ કરવી પડશે. ઈમરજન્સીના કેસમાં CD-વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. આ ઉપરાંત કેન્સરની વિવિધ સારવાર માટે ગુજરાત સરકારે બનાવી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. કેન્સરની સારવાર માટે TBC દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.

યોજના મુજબ TKR અને THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)”નાં ઓછામાં ઓછા ૩૦ ટકા “ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)”ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલ છે. જેમાં ઉક્ત રેશીયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ ૭૫ હોસ્પિટલને ૩.૫૧ કરોડ રૂપિયાની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલ છે.