Ahmedabad: અમદાવાદ સરદાર પટેલ રીંગ રોડ પર વટવા રોપડા ચેક પોસ્ટ નજીકથી વટવા પોલીસે એક યુવકને રૂપિયા 3.60 કરોડની કિંમતના 12 કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપીને મહત્ત્વની સફળતા મેળવી છે. ઝડપાયેલો યુવક મોરબીનો રહેવાસી હતો અને એક યુવતીએ તેને તેમજ અન્ય એક યુવકને બેંગકોક મોકલીને ત્યાંથી હાઇબ્રીડ ગાંજો લઇને ગુજરાતમાં એક વ્યક્તિને પહોંચાડવાનું કામ સોંપ્યુ હતું. જે બેંગકોકથી મુંબઇ એરપોર્ટ ઉતરીને બસમાં ગુજરાત આવ્યો હતો. આ અંગે વટવા પોલીસે તપાસ હાથ ધરી છે.
વટવા પોલીસ સ્ટેશનના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ પર બુધવારે (18મી ડિસેમ્બર) રાતના સમયે એક યુવક મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઇને આવશે. જેના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી.બી. ઝાલા અને તેમના સ્ટાફે વટવા રીંગ રોડ વોચ ગોઠવીને 30 વર્ષીય યોગેશ દશાડિયાને ઝડપીને તેની બેગમાં તપાસ કરતા પ્લાસ્ટીકની બેગમાં પેક કરાયેલા 24 જેટલા પાર્સલ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જપ્ત કરાયેલા પાર્સલમાં 3.60 કરોડ રૂપિયાનો હાઇબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું હતું.
ગુજરાતના મોટા ડ્રગ્સ નેટવર્કની તપાસમા મોટા ખુલાસા થવાની શક્યતા
આ અંગે માહિતી આપતા એસીપી પી. જી. જાડેજાએ જણાવ્યું કે, ‘આરોપી યોગેશ સાથે બેંગકોક ગયેલો પ્રિતમ નામનો આરોપી અગાઉ બેંગકોકથી ડ્રગ્સનો જથ્થો ભારતમાં લાવી ચૂક્યો છે. આ સાથે યોગેશની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.’