GST: ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જામનગરના સ્ક્રેપના વેપારી સુનિલ મંડાવરાની જીએસટી ચોરીના કેસમાં ધરપકડ કરી છે. સામાન્ય રીતે ટેક્સ ચોરીના કેસમાં મોટું કૌભાંડ હોય તો જ ધરપકડ કરાય છે.

GST: પ્રાથમિક તપાસમાં ૧૫ કરોડની કરચોરી પકડાઈ છે પણ આંકડો વધવાની શક્યતા

ડીઆરઆઈનાં સૂત્રોનું કહેવું છે કે, પ્રાથમિક તપાસમાં રૂપિયા ૧૫ કરોડની કરચોરી પકડાઈ છે પણ મંડાવરા દ્વારા કરાયેલી કરચોરીનો આંકડો ૧૫૦ કરોડની આસપાસ પહોંચે એવું લાગે છે તેથી ધરપકડ કરીને પૂછપરછ કરાશે. ઈન્ટેલિજન્સના અધિકારીઓએ પાર્થ ઇમ્પેક્ષના માલિક સુનિલ મંડાવરાની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પાર્થ ઈમ્પેક્સની કરચોરીના છેડા અમદાવાદની આંશિક એન્ટરપ્રાઈઝ સુધી પહોંચતા હોવાથી તેની પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે.

ડાયરેક્ટર જનરલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ગયા| સપ્તાહે અમદાવાદમાં સ્ક્રેપના વેપારી અને રાજકોટ ગોંડલ જામનગરમાં બેઝ ઓઇલના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કરોડો રૂપિયાનું ટેક્સ ચોરીનું કૌભાંડ પકડી પાડયું હતું. આ કેસની તપાસ દરમિયાન અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલ આંશિક એન્ટરપ્રાઇઝના માલિકની સ્ક્રેપના ધંધામાં કરચોરી પકડાઈ હતી. પ્રાથમિક તપાસમાં પાંચ કરોડની કરચોરી પકડાઈ હતી.

આ તપાસમાં જામનગરના પાર્થ ઇમ્પેક્ષના માલિકનું નામ પણ ખૂલ્યું હતું કે જેમણે ખોટી રીતે ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવા ક્લેમ કર્યા હતા. આ ગુનામાં ઇન્ટેલિજન્સના અધિકારીઓએ પાર્થ ઈમ્પેક્ષના માલિક સુનિલ મંડાવરાની ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પાર્થ ઈમ્પેક્ષના માલિક દ્વારા ખોટી રીતે સ્ક્રેપના માલની ખરીદ વેચાણની એન્ટ્રીઓ બતાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવામાં આવી હતી.

GST: અમદાવાદના સ્ક્રેપના વેપારી અને આંશિક એન્ટરપ્રાઈઝના માલિક દ્વારા પણ કરોડો રૂપિયાની ટેક્સની ચોરી કરાઈ છે હાલ તપાસ ચાલુ છે અને તપાસના અંતે | ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. ઈન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ, રાજકોટ, ગોંડલ, જામનગરમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

તાજેતરમાં જ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ ગોંડલમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઇઝમાં પણ દરોડા પાડયા હતા. આ દરોડામા બહાર આવેલી માહિતીના પગલે બેઝ ઓઇલના જામનગર રાજકોટ ગોંડલના વધુ ૧૦થી ૧૫ વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. તેમણે જામનગરની મોટીમોટી ઈન્ડસ્ટ્રીઝને બેઝ ઓઈલ સપ્લાય કર્યું હતું તેની તપાસ ચાલી રહી છે. ડી.જી.જી.આઈના અધિકારીઓ આવનાર દિવસોમાં ખોટી રીતે આઈટીસી મેળવનારા ફેક્ટરી માલિકો અને વેપારીઓને ત્યાં સાગમટે દરોડા પાડીને ટેક્સની વસુલાત કરે તેવા સંકેતો મળ્યા છે.