PM Benjamin Netanyahu : ઇઝરાયેલી સેના નજીકના ભવિષ્ય માટે સીરિયન બફર ઝોન પર પોતાનો કબજો જાળવી રાખશે. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ આની જાહેરાત કરી છે. તેમણે પ્રથમ વખત ઈઝરાયેલના કબજા હેઠળના સીરિયાના વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
ઈઝરાયેલ નજીકના ભવિષ્યમાં પણ સીરિયન બફર ઝોનમાંથી પોતાનો કબજો હટાવશે નહીં અને ઈઝરાયેલની સેના ત્યાં જ રહેશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે આ મોટી જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલી દળો સીરિયન સરહદ સાથેના “બફર ઝોન” માં હાજર રહેશે, ખાસ કરીને માઉન્ટ હેર્મોનની ટોચ પર, “જ્યાં સુધી અન્ય વ્યવસ્થા કરવામાં ન આવે ત્યાં સુધી.”
નેતન્યાહુએ કહ્યું કે તેઓ 53 વર્ષ પહેલા એક સૈનિક તરીકે માઉન્ટ હરમોન પર્વતની ટોચ પર ગયા હતા, પરંતુ તાજેતરની ઘટનાઓને જોતા, ઇઝરાયેલની સુરક્ષા માટે આ શિખરનું મહત્વ વધુ વધી ગયું છે. તેથી ત્યાંના બફર ઝોનમાં ઈઝરાયેલના સૈનિકો પોતાનો કબજો જાળવી રાખશે. પ્રથમ વખત ઇઝરાયેલના વડાપ્રધાન સીરિયાની સીમામાં પ્રવેશ્યા છે. બળવાખોરોએ સીરિયન રાષ્ટ્રપતિ બશર અલ-અસદને હટાવ્યાના દિવસો પછી, ઇઝરાયેલે બફર ઝોન ‘ગોલાન હાઇટ્સ’ની સરહદે દક્ષિણ સીરિયાના એક ભાગ પર કબજો કર્યો.
ઈઝરાયેલે સૈનિકો તૈનાત કરવાની સૂચના આપી હતી
વડા પ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ પ્રધાન ઇઝરાયેલ કાત્ઝ સાથે બફર ઝોનની મુલાકાત લીધી હતી. કાત્ઝે કહ્યું કે આ સમય દરમિયાન તેમણે ઇઝરાયેલી સેનાને ત્યાં ટૂંક સમયમાં સૈનિકો તૈનાત કરવા માટે સૂચના આપી છે, કારણ કે આ વિસ્તારમાં તેમની લાંબા ગાળાની હાજરી હોઈ શકે છે. હવે નજીકના ભવિષ્યમાં ઇઝરાયેલની સેના અહીં પોતાનો કબજો જાળવી રાખશે.