Rajkot: મવડીની કરોડોની કિંમતની ગણાતી સરકારી જમીનમાં વારસાઈ હક્ક માટે રાજકોટ અને ચોટીલાના બે શખ્સોએ અભિલેખાગાર કચેરીના બોગસ દસ્તાવેજો ઊભા કરી આ જમીનો પોતાના દાદા અને પિતાને સ્ટેટ તરફથી મળી હતી તેવું દર્શાવી જમીન પચાવી પાડવાની કાર્યવાહી કર્યાની જુદી-જુદી બે ફરિયાદો રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

Rajkot અને ચોટીલા પંથકના બે શખ્સો સામે મામલતદારે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી

શહેરના પૂર્વ વિભાગના અને દક્ષિણ વિભાગના ઇન્ચાર્જ મામલતદાર શૈલેષભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ.૫૮)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી વિનોદ માવજીભાઈ પારઘી (રહે. ગાંધી વસાહત સોસાયટી, મોરબી રોડ)એ મવડી-૨ ગામના સર્વે નંબર ૯૪ પૈકીની ૯ એકર ૧. ગુંઠા જમીન ગુજરનાર ડાયાભાઈ દેશાભાઈના નામના સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન નામે ચડાવવા તે જમીન પરના લાંબા ગાળાના ખેડવાણ કબ્જા હક્ક નિયમબધ્ધ કરી આપવા, રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા ઠગાઈના ઈરાદે તેના દાદાના નામનો ગઇ તા. ૨૬-૧૦- ૧૯૩૨નો લેખ અને બેઠા ખાતાના ઉતારાની નકલ, અભિલેખાગાર કચેરીના ખોટા સહી-સિક્કા કરી, 1, ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેને સાચા તરીકે કલેક્ટર કચેરીમાં રજૂ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી નામે ચડાવવાની કાર્યવાહી કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

જ્યારે બીજી ફરિયાદ પણ મામલતદાર શૈલેષભાઈએ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ચોટીલાના સુખસર ગામના આરોપી લખાભાઈ નાજાભાઈ ખીમસુરીયાએ મવડી-૨ ગામના સર્વે નંબર ૧૯૪ પૈકીની ૧૦ એકર જમીન નાજાભાઈ રઘાભાઈના નામના સ્ટેટના લેખના આધારે ખેડવાણ જમીન નામે ચડાવવા તે જમીન પરના લાંબા ગાળાના ખેડવાણ કબ્જા-હક્ક નિયમબધ્ધ કરી આપવા, રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરવા ઠગાઈ કરવાના ઇરાદે તેના પિતા નાજાભાઈ રઘાભાઈના નામનું ગઇ તા. ૨૬-૧૦-૧૯૩૭નો લેખ અને બેઠા ખાતાના ઉતારાની નકલ અભિલેખાગાર કચેરીના ખોટા સહી-સિક્કા કરી, ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેને સાચા તરીકે કલેક્ટર કચેરીમાં રજૂ કરી સરકારી જમીનને ખાનગી જમીન તરીકે દર્શાવી નામે ચડાવવાની કાર્યવાહી કરી હતી.

આ ફરિયાદમાં પણ પોલીસે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે