આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રોલ કરતા હોય તે રીતે આમ આદમી પાર્ટી પર ખોટા આક્ષેપો કર્યા હતા. ગૃહમંત્રીએ મારા સહિતના અનેક લોકોના ફોટા ગુનેગાર સાથે પોસ્ટ કર્યા હતા. બીજી બાજુ નકલી ED, નકલી સીબીઆઇ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી કોર્ટ, નકલી ટોલનાકા બને છે ત્યારે ગૃહ મંત્રી શું કરે છે? તમે ટ્વિટ કરીને આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરીને ભાગી ન શકો. ગૃહમંત્રી ખુલ્લી ડેબિટની ચેલેન્જ સ્વીકારે અથવા પાકા પુરાવા લઈને આવે.

હું ફરી એક વાર કહીશ કે નકલી ED તરીકે પકડાનારા વ્યક્તિના આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. અને જો એ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હોત તો અમે તેને સસ્પેન્ડ કરી દેત અને જો એ ગુનેગાર હોય તો તેને તમે ફાંસીએ પણ લટકાવી શકો છો. જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેના ભાજપના સાંસદ, ભાજપના સંગઠનના નેતા સહિત આઇપીએસ અધિકારી સહિત અનેક પોલીસ અધિકારીઓ સાથે પણ ફોટાઓ છે, તે મેં ટ્વીટ કર્યા છે. મારો સવાલ છે કે ગૃહ મંત્રી આમ આદમી પાર્ટીને બદનામ કરી રહ્યા છે, પરંતુ નકલી EDનો માણસ ભાજપ સાથે ભેગો થઈ રહ્યો છે. શું આ નકલી ઈડીનો માણસ ભાજપનો સભ્ય છે કે શું? બળાત્કારીઓ, નકલી ટોલનાકા ચલાવનાર અને પોંઝી સ્કીમ ચલાવનાર લોકો ભાજપ સાથે જોડાયેલ હોય છે. તમારે ખુલાસો કરવો જોઈએ કે આ વ્યક્તિનો ભાજપ સાથે શું સંબંધ છે અને આ મુદ્દા પર અમે તેમની સાથે ખુલ્લામાં ડિબેટ કરવા તૈયાર છીએ.