આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય Chaitar Vasavaએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર જિલ્લામાં આવેલ ડીટોક્ષ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 3 ડિસેમ્બરના રોજ બપોરે 12:40 વાગે બ્લાસ્ટ થાય છે. ત્યારબાદ મૃતક અને ઘાયલ લોકોના પરિવાર દ્વારા મને જાણ કરવામાં આવે છે અને અમે સાંજે 04:30 વાગે ઘટના સ્થળ પર પહોંચીએ છીએ. ત્યારબાદ તેના મેનેજમેન્ટ, પ્રાંત અધિકારી અને સેફટી અધિકારીને અમે મળીને કહીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે અને કોને ઇજા થાય છે તેની જાણકારી પરિવારને આપવામાં આવે. ત્યારબાદ તેના યુનિટ મેનેજરે ચાર લોકોના મૃત્યુ થયા છે તેવી નામ સાથે જાણકારી આપે છે. ત્યારબાદ પરિવારની દયનીય હાલત જોઈને અમે કંપનીને રજૂઆત કરી કે માનવતાની દ્રષ્ટિએ પરિવારને વળતરની રકમ આપવામાં આવે અને વળતરની રકમની જાહેરાત આપ્યા બાદ જ અમે ડેડબોડી સ્વીકારીશું. ત્યારબાદ કંપની મેનેજમેન્ટ સાથે વાત કરીને વળતરની જાહેરાત કરે છે અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે અને આ ડેડબોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ.

પરંતુ આ ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થઈ અને તેમના પેટમાં તેલ રેડાયું માટે તેઓએ પોલીસ સાથે મિલી ભગત કરીને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળીયા પોતે અરજદાર બનીને મારા પર FIR કરી છે. ત્યારે અમે ભરૂચના એસપીને કહેવા માંગીએ છીએ કે અમે 35 જેટલા વિડિયો જાહેર કર્યા છે જેના કારણે તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે તેના કારણે અમારો અવાજ દબાવવા માટે અમારા પર ખોટી ફરિયાદો કરવામાં આવી રહી છે. અમે આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી. જો ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે જે 35 વિડિયો આપ્યા છે તે વીડિયોમાં દેખાતા કયા અધિકારીઓ કોના માટે કયા દારૂના ઠેકા પરથી ઉઘરાણી કરે છે એના પર તપાસ કરે તેને કાયદેસરની કાર્યવાહી કરે.

ચૈતર વસાવાની ટીમ પર FIR કરવાથી અમારો અવાજ દબાવાનો નથી. ભરૂચની જનતા અને સંવિધાનનો તથા બેરોજગારોનો આ અવાજ છે. ખોટી FIRથી અને જેલોથી અમે ડરવાના નથી. આવનારા દિવસોમાં તમે તમારી જેલો મોટી કરી દેજો કારણ કે અમે મોટી સંખ્યામાં તમારી જેલોમાં બેસવા માટે આવી રહ્યા છીએ. પોલીસ અધિકારીઓને જણાવવા માંગીશ કે સરકારો તો બદલાતી રહેશે અને તમારો પગાર જનતાના ટેક્સના પૈસાથી ચૂકવાય છે તો તમે નિષ્પક્ષ કાર્યવાહી કરો અને કોઈની એક ચમચાગીરી કરવાની જરૂરત નથી. સામાન્ય લોકો તો શું પરંતુ જ્યારે એક ધારાસભ્ય પર ખોટી FIR દાખલ થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે.