Bhanvad પંથકના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા એક આધેડના કુટુંબીજન દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલા પ્રેમલગ્નના પ્રકરણમાં યુવતી પરિવારના ચાર શખ્સોએ મારી નાખવાના ઈરાદાથી હુમલો કરતા આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આરોપીઓને દબોચી લીધા હતા.
Bhanvad: ગણતરીની કલાકોમાં પોલીસે ચારે’ય હુમલાખોર શખ્સોને પાઈપ – ધોકા સહિતનાં હથિયારો સાથે ઝડપી લીધા
આ બનાવ અંગે Bhanvad તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગોવિંદભાઈ કનુભાઈ ભારવાડીયા નામના ૫૦ વર્ષના આધેડે । આ જ વિસ્તારના રહીશ હમીર ભાયાભાઈ કરમુર, વિનોદ ભાયાભાઈ કરમુર, ભીખુ ખીમાભાઈ કરમુર અને રામદે ટપુભાઈ કરમુર નામના ચાર શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ | નોંધાવી છે. જેમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી ગોવિંદભાઈના કુટુંબી એવા એક યુવાને આજથી આશરે દોઢેક માસ પૂર્વે આરોપી પરિવારની એક પુત્રીને ભગાડીને પ્રેમ લગ્ન કર્યા હતા.
આ બાબતનું મન દુઃખ રાખીને ગોવિંદભાઈ ભારવાડીયા તેમના મોટરસાયકલ પર કપાસિયા લઈને કાટકોલા ગામ તરફ જતી સીમના રસ્તે । જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ મોટરકારમાં આવીને લોખંડના પાઈપ તેમજ લાકડાના ધોકા જેવા હથિયારો સાથે “આજે તો તને મારી નાખવો છે” તેમ કહીને હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.
આ દરમ્યાન આસપાસના રહીશો આવી જતા આરોપીઓ હથિયારો લઇને નાસી છૂટ્યા હતા. જતા જતા “જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને તથા તારા દીકરાને જાનથી મારી નાખીશું”- તેવી ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પીએસઆઈ કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હત્યાના પ્રયાસના આ ગંભીર બનાવ સંદર્ભે પોલીસે જરૂરી પુરાવાઓ એકત્ર કરી અને આ પ્રકરણમાં પોલીસની ટીમ દ્વારા હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં ઉપરોક્ત આરોપીઓની આ ગુનામાં ઉપયોગમાં લીધેલા હથિયારો તેમજ વાહન સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.