એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીઓના મોતના કેસમાં મુખ્ય આરોપી khyati hospitalના ડૉક્ટર અને ડાયરેક્ટર ડૉ. સંજય પટોલિયાની સાથે ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે હોસ્પિટલમાં સર્ચ કર્યું હતું. રિમાન્ડ પર રહેલા ડો.પટોળીયાને લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ હોસ્પિટલ પહોંચી હતી. વિડિયોગ્રાફી વચ્ચે હોસ્પિટલમાં તેમની કેબિનની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત હોસ્પિટલના ઓપરેશન થિયેટર અને સર્વર રૂમની તપાસ કરવામાં આવી હતી. સર્વર રૂમમાંથી ડેટા એક્સેસ કરીને મહત્વપૂર્ણ ડેટા જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસને મદદ કરવા નિમાયેલા સીએ હોસ્પિટલમાંથી મહત્વની ફાઈલો જપ્ત કરી હતી.
ONGC, Railways, SAIL, PRL સાથે કરાર, 141ની સારવાર
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે ખ્યાતી હોસ્પિટલે ONGC, વેસ્ટર્ન રેલ્વે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), PRL અને એક્સ-સર્વિસમેન કોન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ સાથે કરાર કર્યા હતા. આ અંતર્ગત તેમના 141 કર્મચારીઓની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. તેનો ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેવા પ્રકારની સારવાર કરવામાં આવી છે તેની તપાસ કરવામાં આવશે.