CM: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, કુદરતે આપેલા પ્રાકૃતિક પદાર્થો અને પોષક તત્વોથી સભર ખાન-પાનની ટેવ અનુસરવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’નો જે મંત્ર આપ્યો છે તે આપણને ભારતની ભાતીગળ ભોજન પ્રથાઓ અને વ્યંજનો તરફ ફરી કેન્દ્રિત થવાનું દિશાસૂચન કરે છે.   

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીનદયાળ શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘ક્ષેત્રીય પોષણ ઉત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો. 

 મુખ્યમંત્રીશ્રીના હસ્તે ‘પોષણ ઉત્સવ- કોફી ટેબલ પુસ્તક’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પોષણની ભારતીય પરંપરા વિષય પર તૈયાર કરાયું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી એ આપણને ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવાનું માર્ગદર્શન હંમેશા આપ્યું છે. 

સ્વચ્છતા અભિયાન, હર ઘર શૌચાલય, સૌર ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ, કેચ ધી રેન – જળ સંચય, ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ, શ્રી અન્નનો ભોજનમાં સમાવેશ જેવી નાની છતા ખૂબ જ અસરકારક અને અગત્યની બાબતો પર દેશનું દિશાદર્શન તેમણે કર્યું છે. 

મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત ભોજન વિજ્ઞાન અને ભારતીય વ્યંજનોનું મહત્વ સમજાવતા કહ્યું કે, ચોમાસા દરમિયાન ઉપવાસ કરવાની વાત દરેક ધર્મમાં કહેવાઈ છે. વર્ષા ઋતુમાં પાચનશક્તિ મંદ હોય છે ત્યારે ઉણોદરી – મીતાહાર પણ એટલો જ જરૂરી છે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ આપણને ઋતુ પ્રમાણેનું આહાર લેવાનું શીખવે છે, સ્વાદ માટે નહીં પરંતુ પોષણ અને સ્વાસ્થ્ય માટે ભોજન લેવાની હિમાયત આપણી ધાર્મિક પરંપરાઓ અને તહેવારો કરે છે. 

તેમણે ઉમેર્યું કે, આપણા મંદિરો, ધાર્મિક પર્વમાં અપાતા પ્રસાદમાં પણ પોષણનું ધ્યાન રાખવામાં આવે છે. ભારતીય પરંપરાઓમાં ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક બની સમાંતર ચાલતા હોવાનો આ પુરાવો છે. 

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન સમયમાં ભૌતિકતા ઉપર વધારે ભાર અપાય છે, સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન અપાતું નથી. ‘પહેલું સુખ તે જાતે નર્યા’, આ કહેવત અનુસરવાની જરૂર છે. શરીર સ્વસ્થ હશે તો જ ભૌતિક સુખ સુવિધાઓને માણી શકાશે. 

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો.નીરજા ગુપ્તાએ ભોજનમાં પોષણના મહત્વ વિશે વિસ્તૃત સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલ વધતી જતી બીમારીઓ વચ્ચે આપણા સ્વાસ્થ્યને જો સારું રાખવું હશે તો પોષણ વાળો ખોરાક લેવો જ હિતાવહ છે. 

વધુમાં, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીને મળેલા 5 + રેટિંગ બદલ કુલપતિ શ્રી ડો.નીરજા ગુપ્તાએ  મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે દીનદયાળ શોધ સંસ્થાનના પ્રધાન સચિવ શ્રી અતુલ જૈન, શ્રી ગિરીશ શાહ, શ્રી ભરત પંડ્યા, શ્રી ડો.મીના કુમારી તથા દીનદયાળ શોધ સંસ્થાન સાથે જોડાયેલા સભ્યો અને વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.