Cricket: એડિલેડ ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન એક એવું દ્રશ્ય જોવા મળ્યું જેણે બધાને ચોંકાવી દીધા. સ્પીડ ગનમાં ખામી સર્જાઈ અને અચાનક મોહમ્મદ સિરાજ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બોલ ફેંકનાર બોલર બની ગયો. તેના એક બોલની ઝડપ 181.6 કિમી પ્રતિ કલાક હોવાનું કહેવાય છે.

બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 6 ડિસેમ્બરથી રમાઈ રહી છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે 295 રનથી શાનદાર જીત મેળવી હતી. હવે એડિલેડ ઓવલ ખાતે પિંક બોલ ટેસ્ટમાં બંને ટીમો સામસામે છે. આ મેચના પ્રથમ દાવ દરમિયાન ભારતીય બેટ્સમેનો શાંત રહ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કે તબાહી મચાવી હતી. જ્યારે ભારતીય બોલરો વિકેટ માટે તડપતા રહ્યા હતા. પરંતુ મોહમ્મદ સિરાજ તેના એક બોલના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો.

સિરાજે ફેંક્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી બોલ?

એડિલેડ ટેસ્ટની બીજી ઇનિંગમાં ભારતીય બોલરો વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જસપ્રીત બુમરાહને એકમાત્ર વિકેટ મળી હતી. જ્યારે હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજની વિકેટની કોલમ ખાલી છે. જોકે, સિરાજે પોતાના એક બોલથી ચર્ચાને ગરમ કરી દીધી હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિરાજે 181.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ ઘટના સિરાજની 10મી અને ઓસ્ટ્રેલિયાની ઈનિંગની 25મી ઓવર દરમિયાન બની હતી.

સ્પીડ ગન ખામી

ક્રિકેટના ઈતિહાસમાં આજ સુધી કોઈ બોલર 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ બોલ ફેંકી શક્યો નથી. 181.6 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરવી બહુ દૂરની વાત છે. સિરાજની આ ડિલિવરી દરમિયાન સ્પીડ ગનમાં ખરાબી આવી હશે જેના કારણે બોલની સ્પીડ ખોટી બતાવવામાં આવી હતી. ક્રિકેટ મેચોમાં સ્પીડ ગનમાં ખરાબી એ નવી વાત નથી.