Australia: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટીમ ઈન્ડિયાએ પ્રાઇમ મિનિસ્ટર ઈલેવન સામે 2 દિવસીય વોર્મ-અપ મેચ રમી હતી. આ મેચ એડિલેડમાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ખેલાડીઓનું ખૂબ જ સારું પ્રદર્શન જોવા મળ્યું હતું અને તેઓએ 6 વિકેટથી જીત મેળવી હતી.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 6 ડિસેમ્બરથી એડિલેડમાં રમાવાની છે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ કેનબેરાના મનુકા ઓવલ ખાતે પ્રાઇમ મિનિસ્ટર ઈલેવન સામે 2 દિવસીય વોર્મ-અપ મેચ રમી હતી. ગુલાબી બોલથી રમાયેલી આ ડે-નાઈટ મેચમાં ટીમ ઈન્ડિયાએ સરળતાથી જીત મેળવી હતી. ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ આ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું અને મહત્વપૂર્ણ મેચ પહેલા પોતાની તૈયારીઓને મજબૂત કરી હતી. હર્ષિત રાણા બોલિંગમાં ચમક્યા હતા, જ્યારે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને નીતિશ કુમાર રેડ્ડીએ બેટિંગમાં પોતાની છાપ છોડી હતી. જોકે ટીમ ઈન્ડિયાની જીત બાદ પણ સ્પર્ધા ચાલુ રહી હતી. વાસ્તવમાં, આ એક વોર્મ-અપ મેચ હતી, તેથી લક્ષ્યનો પીછો કર્યા પછી, ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ બેટિંગ ચાલુ રાખી અને તેમની સંપૂર્ણ 46 ઓવર રમી.

પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન પર ભારતની આસાન જીત

ટીમ ઈન્ડિયા અને પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વચ્ચે રમાયેલી આ મેચનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં, રમતના બીજા દિવસે 50-50 ઓવરની મેચ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બીજા દિવસે પણ વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડ્યો હતો, ત્યારબાદ મેચને 46-46 ઓવરની કરવામાં આવી હતી. 

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન માત્ર 43.2 રનની રમત રમી હતી અને 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

19 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સેમ કોન્સ્ટેન્ટ્સે આ દરમિયાન શાનદાર સદીની ઇનિંગ રમી હતી. તેણે 97 બોલમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા. જ્યારે હર્ષિત રાણા ટીમ ઈન્ડિયાનો સૌથી સફળ બોલર હતો. તેણે 6 ઓવરમાં 44 રન આપ્યા અને 4 વિકેટ લીધી. આ દરમિયાન હર્ષિત રાણાએ 6 બોલના ગાળામાં આ 4 વિકેટ ઝડપી હતી. તેમના સિવાય આકાશ દીપને 2 સફળતા મળી. મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.