Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજન તથા સુચારૂ અમલીકરણ માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સ્ટીયરીગ(માર્ગદર્શક) કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં આ યોજના સંબધિત બાળકલ્યાણ અર્થે વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગત બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાનું રિવ્યું કરીને , આ બેઠકના એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

આ સમિતિમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન, સારવાર, સેવાઓ માટે ઈ-સાઈન થયેલ દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)ને પણ માન્ય ગણવા જેવા એજન્ડા પર બહુપક્ષીય ચર્ચા હાથ ધરાઇ હતી.

આ કાર્યક્રમમાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવારની સાથે સાથે બાળકોના આરોગ્ય પર અસર કરતાં અન્ય પરિબળો અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વધુમાં શાળાની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ, પોષણ યુક્ત આહાર માટેની જનજાગૃતિ, નિયમિત આરોગ્ય તપાસ, ઔષધિય રોપાઓનું વૃક્ષારોપણ, આઇ.એફ.એની દવાઓ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ, આરોગ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી હોય છે.

અત્રે ઉલ્લેખની છે કે, શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હ્ર્દય સંબંધિત સર્જરી અને સારવાર, કિડની સારવાર, કિડની – ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, કે‍ન્સર સારવાર, લીવર ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, બોનમેરો ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી, ક્લબ ફૂટ અને ક્લેફ્ટલિપ પેલેટ જેવી સુપર સ્પેશીયાલીટી સારવાર અને સર્જરી કરવામાં આવે છે.

વર્ષ 2019-20 થી વર્ષ 2024-25 (નવેમ્બર) માસ સુધીમાં15,48,479 જેટલી હ્ર્દય સંબંધિત સર્જરી અને સારવાર, 27,266, કિડની સારવાર, 249 કિડની – ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 16,755કે‍ન્સર સારવાર, 39 લીવર ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 211 બોનમેરો ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 3260 કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી, 7,893ક્લબ ફૂટ અને 6541 ક્લેફ્ટલિપ પેલેટ જેટલી સુપર સ્પેશીયાલીટી સારવાર અને સફળ સર્જરી કરવામાં આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના 1.50 કરોડ થી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનીંગ વિનામૂલ્યે કરવામાં આવે છે.

હાલ આ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં 28 જેટલા ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત છે. જેમાં બાળકોની માનસિક તથા શારિરીક ક્ષમતામાં સુધારા માટે વૃધ્ધિ વિકાસ, આનુસંગિક જ્ઞાન અને કુશળતા માટેની કામગીરી કરાય છે. સ્ટેયરિંગ કમિટીની આ બેઠકમાં ધારાસભ્ય સર્વ શ્રી રીટાબેન પટેલ, પાયલબેન કુકરાણી, હસમુખ પટેલ, પ્રધ્યુમન વાજા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ શ્રી એ.કે.નિરાલા, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ, કમિટીના વિવિધ સભ્યો અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતા.