Morbi ઝુલતા પુલ દુર્ઘટનાને લઈ ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ઓરેવા કંપનીને મોરબી પુલ તૂર્ટી પડવાના કેસના પીડિતોને નાણાકીય લાભ આપવા અંગે ત્રિપક્ષીય કરાર સાથે આવવા જણાવ્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે તે પીડિતોને વળતરના પાસાઓ પર વિચારણા કરવા માટે કંપનીને વધુ સમય આપશે નહીં.
Morbi: હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પીડિતોને વળતર મામલે હવે અદાલત કંપનીને વધુ સમય આપશે નહીં
Morbi: ગુજરાત હાઈકોર્ટે અગાઉ કંપની, ટ્રસ્ટ અને પીડિતો વચ્ચે ત્રિપક્ષીય કરાર કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં દરેક વ્યક્તિગત લાભાથી જે લાભો મેળવવા માટે હકદાર છે તેની રૂપરેખા આપે છે. કરારનો મુસદ્દો તૈયાર હતો અને હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે તેના અગાઉના તમામ આદેશોને કરારમાં સામેલ કરવા જોઈએ જેથી તે કંપનીને બંધનકર્તા બની શકે. કંપનીના વકીલ દ્વારા કરવામાં આવેલા કેટલાક સૂચનોને કોર્ટે માન્ય રાખ્યું ન હતું.
દરમ્યાન ઓરેવા કંપની તરફથી રજૂઆત કરાઈ હતી કે, કંપનીએ નવ સગીર પીડિત છોકરીઓ માટે તેમના લગ્ન ખર્ચ માટે રૂ. ૯ લાખની ફિક્સ ડિપોઝિટ કરી છે. એક પીડિતને તેના તબીબી ખર્ચ માટે રૂ.૧.૦૭ લાખ ચૂકવવામાં આવ્યા | છે. આ સિવાય કંપનીએ ગંભીર ઇજાગ્રસ્ત યુવતીને રૂ.૨ લાખ ચૂકવવાની દરખાસ્ત કરી હતી કારણકે યુવતીએ રૂ.૮ લાખનું વળતર માંગ્યું હતું. તેણી આઠ મહિનાથી મુંબઇમાં નોકરી પર હાજર રહી શકી ન હતી તેથી આ વળતર માગવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કંપનીએ રકમ આપવી જોઈએ. કંપની તેની માસિક આવકનો પુરાવો મેળવી શકે છે. કોર્ટઆ મુદ્દે હવે પછી લેખિત આદેશ જારી કરશે.
ઉલ્લેખનીય છે કે, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કુલ ૧૩૫ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. પીડિતોને આર્થિક લાભ અને તેમની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશાનુસાર એક ખાસ ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં બે વકીલોને કોર્ટ નીરીક્ષક તરીકે પણ નીમેલા છે.