Vadodara: મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી દારૂનો જથ્થો મરચાની ગુણોની આડમાં ભરીને નડિયાદ લઈ જતી વખતે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂા.૨૫.૯૯ લાખના જથ્થા સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.
Vadodara: એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પરથી રૂા. ૨૫.૯૯ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ
Vadodara: આ અંગેની વિગત એવી છે કે મધ્યપ્રદેશ પાસિંગની એક આઇસર ગાડીમાં દારૂનો જથ્થો ભરીને તે ગાડી નડિયાદ જવાની છે તેવી બાતમી જિલ્લા એલસીબીને મળતાં ગઇરાત્રે વડોદરા- અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આસોજ પાસેના ટોલનાકા પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબની ગાડી આવતા તેને રોકીને તપાસ હાથ ધરતાં ગાડીમાં માત્ર ડ્રાઇવર જણાયો હતો. તેની પૂછપરછ કરતાં તે યોગ્ય જવાબ આપતો | ન હતો.
દરમિયાન પોલીસે ગાડીની તાડપત્રી ખોલીને જોતા મરચા ભરેલ ગુણો જણાઈ હતી. આ ગુણો હટાવતા દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે વોડકા, વ્હિસ્કી, બીયરની કુલ રૂા.૧૫.૭૮ લાખ કિંમતની ૧૦૧૬૪ બોટલો, મરચાની ૧૪૦ ગુણો, જીપીએસ અને આઇસર ગાડી મળી કુલ રૂા.૨૫.૯૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવર જીતેન્દ્ર મદન મિણા (રહે.ધાણી, જિલ્લો ધાર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી હતી.
ડ્રાઈવરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ઈન્દોરમાં રહેતા રાહુલે મને ફોન કરી ધાર બાયપાસ નજીક જાંબુઆ આવવાના રોડ પર ચોકડી પાસે ગાડી ઊભી હતી તે લઈને નડિયાદ જવા જણાવ્યું હતું.
વડોદરામાં એક્સપ્રેસ હાઈવે પર ટોલનાકુ પાસ કરી ફોન કરવા જણાવેલ અને નડિયાદમાં ક્યાં અને કોને આપવાનો છે તે હું જણાવીશ તેમ તેણે કહ્યું હતું. ગાડીની કેબીનમાંથી ઇન્દોરની ભારત રોડલાઇન્સની બિલ્ટી મળી હતી જેમાં નડિયાદના દિપકકુમાર, નરેન્દ્ર ઠાકુર અને અરુણ ઠાકુરને મસાલા મોકલવાનો ઉલ્લેખ હતો. આ અંગે મંજુસર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.