Bangladesh on Adani : અદાણી કેસમાં બાંગ્લાદેશે પણ મોટો ઝટકો આપ્યો છે. વચગાળાની સરકારે અદાણી સાથે સંબંધિત ઊર્જા પ્રોજેક્ટની પુન: તપાસ કરવાની ભલામણ કરી છે.

અમેરિકી કોર્ટે ગૌતમ અદાણી વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ વિશ્વના ઘણા દેશોએ તેમની કંપની સાથે જોડાયેલા પ્રોજેક્ટને રદ કરવા અથવા તેની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં કેન્યાએ અદાણી સાથે સંબંધિત એક પ્રોજેક્ટને રદ કરવાની જાહેરાત કરી હતી. આ પછી હવે બાંગ્લાદેશે પણ અદાણી સાથે જોડાયેલા એક પ્રોજેક્ટને લઈને મોટી જાહેરાત કરી છે. બાંગ્લાદેશે ભારતના અદાણી ગ્રૂપ સહિત વિવિધ વ્યાપારી જૂથો સાથે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની સરકાર દ્વારા હસ્તાક્ષર કરાયેલા પાવર ડીલની તપાસ કરવા માટે એક એજન્સીની નિમણૂક કરવાની ભલામણ કરી છે.

આ સંદર્ભમાં, વચગાળાની સરકારે સમીક્ષા સમિતિની રચના કરી હતી, જેણે રવિવારે આ ભલામણ કરી હતી. “પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સિસ મંત્રાલયની રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ 2009 થી 2024 દરમિયાન શેખ હસીનાના નિરંકુશ શાસન દરમિયાન હસ્તાક્ષર કરાયેલ મુખ્ય પાવર જનરેશન કરારોની સમીક્ષા કરવા માટે એક પ્રતિષ્ઠિત કાનૂની અને તપાસ એજન્સીની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે,” એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે સમિતિ હાલમાં સાત મોટા ઉર્જા અને પાવર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી રહી છે.

અદાણી સાથે જોડાયેલા પ્રોજેક્ટની તપાસ કરવામાં આવશે

તેમાં અદાણી (ગોડ્ડા) BIFPCLના 1,234.4 મેગાવોટના કોલસા આધારિત પ્લાન્ટનો સમાવેશ થાય છે. અદાણી (ગોડ્ડા) BIFPCL એ અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે. અન્ય છ કરારોમાં, એક ચીની કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે, જેણે 1,320 મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવ્યો છે. બાકીના કરારો બાંગ્લાદેશી વેપારી જૂથો સાથે કરવામાં આવ્યા છે જે અગાઉની સરકારની નજીક હોવાનું કહેવાય છે.