Ahmedabadમાં ઉતરાયણ પહેલા વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ઘોડાસર વિસ્તારમાં બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાતાં સ્થળ ઉપર મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad: બાઈક ઉપર બેસીને પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવતા લોહી લુહાણ હાલતમાં પટકાયો
વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એ.ગઢવીના જણાવ્યા મુજબ નારોલ વિસ્તારમાં રહેતા અને દૂધેશ્વર વિસ્તારમાં કુરીયર કંપનીમાં નોકરી કરતા હિમાંશુભાઈ મહેશકુમાર રાણા (ઉ.વ.૨૭) આજે સાંજે ૬ વાગે બાઇક લઈને થોડાસર ચોકડીથી કેનાલ તરફ આવી રહ્યા હતા. આ સમયે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં આવી જતાં યુવક બાઈક સાથે રોડ ઉપર પટકાયો હતો અને લોહી લુહાણ હાલતમાં મૃત્યું પામ્યો હતો. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક | કરતાં બાઇક ઉપર પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી આવી ગઇ હતી જેથી યુવક ગાળામાથી દોરી હટાવવા પ્રયાસ કરી રહ્યો પરંતુ ગળુ કપાઇ જતાં રોડ ઉપર પટકાતાં મોત થયું હતું, પોલીસને બાઇકમાં ફસાયેલી ચાઈનીઝ દોરી પણ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. હજુ ઉત્તરાયણ પર્વને બે મહિના બાકી છે ત્યારે અત્યારથી રોડ ઉપર પતંગ ચગાવવાના શરુ થઈ ગયા છે તેમાંયે ગંભીર બાબત એ છે કે પતંગ ચાઇનીઝ દોરીથી ચગાવવામાં આવી રહ્યા છે.