Putinના બેલેસ્ટિક મિસાઈલ હુમલા બાદ Ukraine સંસદ બંધ કરી દીધી છે. એટલું જ નહીં સાંસદોને તેમના પરિવારજનોને કિવના સરકારી જિલ્લામાંથી બહાર રાખવા માટે કહેવામાં આવ્યું છે. યુક્રેનિયન સંરક્ષણ સુવિધા પર હુમલો કરવા માટે વ્લાદિમીર પુતિને નવી હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કર્યાના એક દિવસ પછી યુક્રેન સુરક્ષા ચિંતાઓને કારણે આજે તેની સંસદ બંધ કરી દીધી છે.
“22 નવેમ્બરના રોજ વર્ખોવના રાડા (સંસદ) નું સત્ર બોલાવવાની યોજના હતી, જેમાં સરકાર પર સવાલ ઉઠાવવાનો સમાવેશ થતો હતો, પરંતુ સંભવિત સુરક્ષા મુદ્દાઓને કારણે તે રદ કરવામાં આવ્યું હતું,” જાહેર પ્રસારણકર્તા સસ્પિલને અહેવાલ આપ્યો હતો.
ઉપરાંત યુક્રેનિયન સાંસદોને તેમના પરિવારોને કિવના સરકારી જિલ્લામાંથી દૂર રાખવા માટે કહેવામાં આવ્યું છે. આગામી બેઠક ક્યારે યોજાશે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ ઓછામાં ઓછી તે ડિસેમ્બર પહેલા તો નહીં જ હોય.
પરમાણુ હથિયાર વહન કરતી મિસાઇલ છોડવામાં આવી
પુતિને યુક્રેનના ડીનિપ્રો શહેર પર તેમની પ્રાયોગિક બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેને એક જ મિસાઈલથી અનેક ટાર્ગેટ પર હુમલો કરતા દર્શાવવામાં આવ્યા છે. યુક્રેનનો આ નિર્ણય આ ઘાતક હુમલા બાદ જ આવ્યો છે.
યુક્રેનિયન એર ડિફેન્સ ફોર્સે જણાવ્યું હતું કે મિસાઇલ – જે 3,400 માઇલથી વધુની રેન્જ ધરાવે છે અને તેનો ઉપયોગ પરમાણુ હથિયાર વહન કરવા માટે કરી શકાય છે. આ મિસાઈલ કેસ્પિયન સમુદ્રમાં રશિયાના આસ્ટ્રાખાન પ્રદેશમાંથી છોડવામાં આવી હતી.
નાટોએ સમર્થન વધાર્યું
નાટોએ યુદ્ધગ્રસ્ત દેશને તેના સમર્થનને બમણું કરી દીધું છે અને કહ્યું છે કે “આ ક્ષમતાને તૈનાત કરવાથી ન તો સંઘર્ષનો માર્ગ બદલાશે અને નાટોના સાથીઓને યુક્રેનને ટેકો આપતા અટકાવશે.”