Gujarat: ભારત દેશમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતા અનેક વિદ્યાર્થીઓએ આજ દિન સુધીમાં વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરીને પોતાની સોનેરી કારકિર્દીને પાંખો આપી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના કે વંચિત જૂથોના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે પોતાનું સપનું પૂરૂં કરી શકતા નથી. પરંતુ હવે ગુજરાત સરકાર તેમનું સપનું પુરું કરશે.

વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થીક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા  ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે. વર્ષ ૧૯૯૯થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં  ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને રૂ. ૬૧૬ કરોડથી વધુની લોન આપવામાં આવી છે.

 ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન સહાય યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પોતાના સપનાઓ સાકાર કરવા અને સોનેરી કારકિર્દીનું ઘડતર કરવા વિદેશ અભ્યાસ માટે આર્થિક રીતે મદદરૂપ થવા માત્ર ૪%ના વાર્ષિક વ્યાજ દરે રૂ.૧૫ લાખની લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે ૪૨૧ વિદ્યાર્થીઓને રૂ.૬૮ કરોડની લોન સહાય આપવામાં આવી છે.

કોઈપણ આવક મર્યાદા વગર અપાતી આ લોન યોજના મૂળ ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે. આ લોન ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્ક ધરાવતા હોવા જોઇશે. તેમજ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા,પી.એચ.ડી તેમજ તમામ ક્ષેત્રના અન્ય એક થી વધુ વર્ષના અથવા ઓછામાં ઓછા બે સેમસ્ટરના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે.

અગાઉ અનુસૂચિત જાતિ કુટુંબના માત્ર એક જ સંતાનને વિદેશ અભ્યાસ માટે લોન મળતી હતી તેમાં પણ સુધારો કરીને અત્યારે એક જ કુટુંબના બે વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નાનકડા ગામ એવા ચાટાવાડાના વિદેશ અભ્યાસ લોનના લાભાર્થી શ્રી શાહ ધીરજ નટવરલાલ જણાવે છે કે, ડો. બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનની મદદથી તેમના વિદેશ અભ્યાસના દ્વાર ખુલ્યા હતા. જેની મદદથી તેમનું વિદેશમાં MBBSના અભ્યાસનુ સપનું સાકાર થયું છે. તબીબી ક્ષેત્રના તેમના અભ્યાસના સપનાઓ આ યોજના થકી રાજ્ય સરકારે સાકાર કર્યા છે.