Ahmedabad: અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એન્જિયોપ્લાસ્ટી બાદ બે દર્દીઓના મોતની તપાસ સોમવારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અત્યાર સુધી વસ્ત્રાપુર પોલીસ આ મામલે તપાસ કરતી હતી. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં સંડોવાયેલા પાંચ આરોપીઓમાંથી અત્યાર સુધીમાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. ફરાર થયેલા તમામ આરોપીઓ હોસ્પિટલના ડોક્ટર અને મેનેજમેન્ટના સભ્યો છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલ કેસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસે મુખ્ય પાંચ આરોપીઓમાં ડો.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરી હતી. તેના પર અનેક કલમો પણ લગાવવામાં આવી છે. આરોપી ડોક્ટરને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવ્યો હતો. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.

પોલીસ કમિશનરે કહ્યું કે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ફરાર આરોપીઓ માટે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. જો આરોપીઓ આ નોટિસનું પાલન નહીં કરે તો આગામી દિવસોમાં રેડ કોર્નર નોટિસ પણ આપવામાં આવશે.

શું છે મામલો?
કડી તાલુકાના બોરીસણા ગામની ખ્યાતિ હોસ્પિટલમાં તાજેતરમાં યોજાયેલા કેમ્પ બાદ અમદાવાદની આ હોસ્પિટલમાં 19 દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તમામની એન્જિયોગ્રાફી કર્યા બાદ સાતની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં બેના મોત થયા હતા. આ તમામ દર્દીઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના લાભાર્થી છે.