જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370ના પ્રસ્તાવને લઈને BJP અને NCના ધારાસભ્યો વચ્ચે અથડામણ થઈ હતી. વેલમાં આવ્યા બાદ બંને પક્ષના ધારાસભ્યોએ પહેલા સૂત્રોચ્ચાર કર્યા અને પછી એકબીજાની વચ્ચે ધક્કામુક્કી શરૂ કરી દીધી.

બારામુલ્લાના લોકસભા સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈ ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું. આ પછી પાર્ટીના ધારાસભ્યો અને વિપક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. વિવાદાસ્પદ પોસ્ટર છીનવી લેવાના મુદ્દે ભાજપ અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ વિવાદાસ્પદ બેનરનો વિરોધ કર્યો હતો. આ પછી ગૃહને થોડીવાર માટે સ્થગિત કરી દેવામાં આવ્યું.

આ સમગ્ર મામલાને લઈને જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ અને ભાજપના ધારાસભ્ય નિર્મલ સિંહે કહ્યું કે કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે. ઓમર સરકાર આવા પગલાથી પાકિસ્તાનનું મનોબળ વધારી રહી છે. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સે ભારત માતાની પીઠમાં છરો ભોંક્યો છે. હંગામો વધી જતાં માર્શલને આવવું પડ્યું. તેઓએ કેટલાક ધારાસભ્યોને ધક્કો મારી બહાર કાઢ્યા હતા.

કોંગ્રેસ-NC કાવતરા કરી રહ્યા છે
રવીન્દ્ર રૈનાએ વિધાનસભામાં થયેલા હોબાળા અંગે કહ્યું કે 370એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાનની માનસિકતાને જન્મ આપ્યો છે. આવી સ્થિતિમાં ધારા 370નો પ્રસ્તાવ વિધાનસભામાં ગેરબંધારણીય રીતે, ચોરની જેમ છુપાઈને ઉતાવળે રજૂ કરવો પડે છે. NC અને કોંગ્રેસ કાશ્મીરમાં આતંકવાદીઓના એજન્ડાને પૂરા કરવાનું કાવતરું કરી રહ્યા છે.