સ્કૂલોમાં દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓની scholarship માટેની ઈકેવાયસી કામગીરી પૂરી કરવા માટે વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લામાં ૧૦મી સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો આદેશ કરાયો હતો અને કેટલાક જિલ્લામાં શિક્ષકોને દિવાળી વેકેશનમાં પણ સ્કૂલે આવી અને સ્કૂલો ચાલુ રાખી ઈકેવાયસી કામગીરી પૂર્ણ કરવા આદેશ કરાયો હતો. જો કે વિરોધ બાદ કેટલાક જિલ્લામાં આ પરિપત્રો રદ કરી દેવાયા હતા.

વડોદરામાં શિક્ષકોને ચોથીથી સ્કૂલે આવી ૧૦મી સુધીમાં scholarship કામગીરી પૂર્ણ કરવા આદેશ થયો હતો પ્રાથમિકથી માંડી માધ્યમિક સુધીની સ્કૂલોમાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ઈકેવાયસી એટલે કે આધારકાર્ડ અને રાશનકાર્ડ સાથે બેંક એકાઉન્ટનું ઓનલાઈન જોડાણ ફરજીયાત કરાયુ છે અને આ માટેની કામગીરી શિક્ષકોને સોંપાઈ છે. અધિકારીઓથી માંડી સ્કૂલોના આચાર્યોને આ કામગીરી પૂર્ણ કરવા માટે ખૂબ જ દબાણ છે અને દિવાળી વેકેશન પહેલા થયેલી વીડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લાના અધિકારીઓને ૧૦મી સુધીમાં કામગીરી પૂર્ણ કરવા આદેશો થયા હતા.

દરમિયાન વડોદરા જિલ્લામાં તો ડીપીઈઓ અને જીલ્લાના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દ્વારા તમામ સ્કૂલોનો આચાર્યોને પરિપત્ર કરીને ચોથી નેવમ્બરે સોમવારથી જ રાબેતા મુજબ સ્કૂલો ચાલુ રાખી બાળકોના ઈકેવાયસીની કામગીરી ૧૦મી સુધીમાં પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. જો કામગીરી બાકી રહેશે તો આચાર્યોની જવાબદારી નક્કી કરવામા આવશે તેવી ચીમકી પણ અપાઈ હતી. એટલું જ નહીં આચાર્ય, ગૃપાચાર્ય અને સીઆરસી-બીટ નિરિક્ષકોની રોજરોજની હાજરી બાબતનું લોકેશન મુકવાનો પણ આદેશ કરાયો હતો અને કોઈ રજા મંજૂરી નહીં કરવામા આવે તેવી સૂચના અપાઈ હતી. આ પરિપત્રને લઈને શિક્ષકોમાં ઉગ્ર રોષ પણ ફેલાયો હતો.જો કે વિરોધ અને રોષને પગલે અંતે આ પરિપત્ર રદ પણ કરી દેવાયો હતો.