Kutch: ગુજરાતના કચ્છ જિલ્લામાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂકંપના કારણે જિલ્લામાં કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનના સમાચાર નથી.

ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 3.58 વાગ્યે અનુભવાયો હતો અને તેનું કેન્દ્રબિંદુ લખપતથી 53 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું. ISR ડેટા અનુસાર, અગાઉ 27 ઓક્ટોબરે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ગુજરાતમાં ભૂકંપ વધુ આવે છે
ગુજરાતમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે. GSDMA અનુસાર, 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રાટકનાર ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો.

2001માં આવેલા ભૂકંપમાં હજારો લોકોના જીવ ગયા હતા.
26 જાન્યુઆરી, 2001ના રોજ ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ કચ્છના ભચાઉ નજીક હતું અને સમગ્ર રાજ્ય પ્રભાવિત થયું હતું. જીએસડીએમએના ડેટા અનુસાર આ ભૂકંપને કારણે લગભગ 13,800 લોકો માર્યા ગયા અને 1.67 લાખ લોકો ઘાયલ થયા.