Ahmedabad: ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નામે સોશિયલ મિડીયા પર મેસેજ કરીને શેર બજારમાં રોકાણની સામે કરોડો રૂપિયાનો નફો અપાવવાનું કહીને ગઠિયાઓએ બોપલમાં રહેતા વ્યક્તિ પાસેથી ૧.૪૩ કરોડ અને જગતપુરમાં રહેતા યુવક પાસેથી આકર્ષક વળતરના નામે ૩૧ લાખની રકમ પડાવી લીધી હતી.

Ahmedabad: બોપલમાં રહેતા વ્યક્તિ સાથે ૧.૪૩ કરોડની અને જગતપુરમાં યુવક પાસેથી ૩૧ લાખની રકમ પડાવી લેવાઇ

Ahmedabad: બોપલમાં આવેલા મારૂતીનંદન કુટીર | બંગ્લોઝમાં રહેતા મેહુલ રાવલને ગત ૨૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ કોઈએ વોટ્સએપમાં મોતીલાલ ઓસ્વાલ કંપનીના નામેના ગ્રુપમાં એડ કર્યા હતા. જ્યાં શેરબજારમાં રોકાણની ટીપ્સ આપવામાં આવતી હતી. ત્યારબાદ તેમનું એકાઉન્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. મોતીલાલ ઓસ્વાલનું નામ માર્કેટમાં મોટુ હોવાથી તેમણે વિશ્વાસ કરીને પ્રથમ ૧૦ હજારનું રોકાણ કર્યું હતું. જેની સામે ૨૫૦૦ રૂપિયાનો નફો આપ્યો હતો. ત્યારબાદના રોકાણની સામે અઢી લાખનો નફો આપ્યો હતો.

જેથી વધુ કમાવવાની લાલચમાં આવીને મેહુલભાઈએ ૪૩.૬૪ લાખનું રોકાણ કર્યું હતું. આ દરમિયાન વિવિધ કંપનીના આઇપીઓ આવતા હોવી શેર એલોટ થયાનું કહીને તેમાં સવા ત્રણ કરોડ રૂપિયાનો નફો થયાનું કહેવામાં આવ્યું હતું. જો કે આ નાણાં ઉપાડવા માટે ૨૦ ટકા સર્વિસ ચાર્જના નામે ૫૫.૬૫ લાખની રકમ જમા કરાવડાવી હતી. જો કે તે પછી નફો ખાતામાં ટ્રાન્સફર ન થતા પ્રોસેસ માટે વધુ ૪૧ લાખનું રોકાણ કરાવડાવ્યું હતું. આમ, કુલ ૧.૪૩ કરોડ જેટલી રકમ લીધા બાદ પણ નાણાંની માંગણી ચાલુ રહેતા મેહુલભાઈને શંકા ગઇ હતી અને તેમણે મુંબઈમાં મોતીલાલ ઓસ્વાલની ઓફિસમાં તપાસ કરાવી ત્યારે જાણ થઇ હતી કે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.

આ અંગે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. અન્ય બનાવમાં જગતપુરમાં આવેલા અથર્વ લેન્ડ માર્કમાં રહેતા સુરજ પટેલ નામના યુવકને મોતીલાલ ઓસ્વાલ ગ્રુપના વોટ્સએપ ગ્રુપમાં એડ કરીને રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને કુલ ૩૧ લાખ રૂપિયા લઇને છેતરપિંડી કરવામાં આવી હતી. આમ, મોતીવાલ ઓસ્વાલના નામે ૧.૭૪ કરોડ જેટલી માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.